Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- આ પ્રકારના મોટાભાગના કેસના સત્તાધીશો મગજનો ઉપયોગ જ કરતા નથી - હાઈકોર્ટ

- તંત્રની બેદરકારીના લીધે જેન્યુઅન ડોક્ટર પણ હેરાન થાય છે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પોલીસ સત્તાવાળાઓ મોટાભાગે તેમના મગજનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જતા હોય છે અને પ્રિ કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનીક(જાતીય પસંદગીનો પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ખોટી રીતે ડોકટરોની ધરપકડ કરે છે. પોલીસ કેટલીક વાર પગલાં લેવામાં સાચા પણ હોય છે પરંતુ મોટાભાગે તેમના પગલાં તેમની નિષ્ફળતાને ઉજાગર કરે છે. જેના લીધે, ઘણીવાર જેન્યુઇન ડોકટરોને સહન કરવાનુ આવે છે. હાઈકોર્ટે ગાયનેકોલોજિસ્ટ સામેના એક કેસમાં તેને આરોપ મુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.

હાઈકોર્ટનુ અવલોકન છે કે, પોલીસ અધિકારી અને સત્તાવાળાઓ આ કાયદા અને નિયમો હેઠળ જે રીતે  અને જે પધ્ધતિથી ફરિયાદ નોંધે છે તેને અદાલત સમજી શકતી નથી. ઘણીવાર સત્તાધીશો મગજનો ઉપયોગ કર્યા વગર એકદમ ચોક્કસ પગલાં ભરવામાં ઉતાવળ કરી દે છે અને પરિણામે સમગ્ર પ્રક્રિયાનો ભંગ થતો હોય છે. સત્તાધીશો કદાચ કસૂરવાર ડોકટરો વિરૃધ્ધ પગલાં લેવામાં સાચા હશે, પરંતુ ઘણીવાર મગજનો ઉપયોગ કર્યા વગર તેમના દ્વારા લેવાયેલા પગલાંથી જેન્યુઅન હોય તેવા ડોક્ટર પણ હેરાન થાય છે. અદાલત જાણે છે કે, આવા કેસોમાં વૈકલ્પિક પગલાં પણ ઉપલબ્ધ છે, જેમાં ઘણો સમય જાય છે અને વ્યકિતની કારકિર્દી દાવ પર લાગી જાય છે. જેથી, સત્તાધીશો ભવિષ્યમાં આવા કેસોમાં સાવધાની દાખવે.

હાઇકોર્ટે એ પણ કહ્યું છે કે, આ કેસમાં વિઝિટીંગ ડોકટર સહિત ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. અરજદાર ઓથોરીટીએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના મુખ્ય આક્ષેપો કલેરિકલ બાબતના છે જેવી કે, રજિસ્ટર, ફોર્મ, નોટિસ બોર્ડ વગેરે...જે હોસ્પિટલે જાળવ્યા છે પરંતુ કાયદાનુસાર કે નિયમોનુસાર નહી. સમગ્ર ફરિયાદ જોતાં ડોકટર વિરૃધ્ધ કોઇ ગંભીર આક્ષેપો કરાયા નથી માત્ર કલેરિકલ ખામી હોસ્પિટલ સ્ટાફ દ્વારા આચરાઇ હોવાની વાત સામે આવી છે. આ ખામી હોસ્પિટલ સ્ટાફની હોવાનું સ્પષ્ટ થાય છે. આ ભૂલ ડોકટરોની નહી અને ખાસ કરીને વિઝિટીંગ ડોકટરની નહી. વિઝિટીંગ ડોકટરની તો કોઇ ભૂમિકા જ આવતી નથી. ડોકટરોને આવા ગુના કે નિયમ ભંગ માટે જવાબદાર ઠરાવી શકાય નહી. સેશન્સ કોર્ટના હુકમમાં કોઇ ભૂલ નથી તેથી તેમાં દરમ્યાનગીરી કરવાનું આ અદાલત ન્યાયોચિત માનતી નથી.

કેસની વિગત જોઈએ તો,  પીસીપીએનડીટી એકટની જોગવાઇઓના ભંગ બદલ રાજકોટના એક ગાયનેકોલોજીસ્ટ ડોકટર વિરૃધ્ધ વર્ષ ૨૦૧૪માં ફરિયાદ નોધાયેલી.  જે કેસમાં સેશન્સ કોર્ટે ડોક્ટરની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરેલી. જેની સામે ઓથોરિટીએ હાઈકોર્ટમાં અપીલ કરેલી. સુનાવણી સમયે, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, આરોપ મુક્ત કરાયેલા ડોકટર જરૃરી રેકોર્ડ જાળવવામાં નિષ્ફળ રહ્યા છે અને તેઓ ગર્ભવતી મહિલાની સંમતિ સહી લેતા ન હતા કે, તેમના ડાયગ્નોસ્ટિક સેન્ટર પર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ લગાવવામાં આવ્યું ન હતું. સોનોગ્રાફી કરવા માટે જરૃરી ફોર્મ- એફ પણ ભરવાનું ફરજિયાત છે, તે પણ ડોકટરે ભર્યુ ન હતું. જેના લીધે, તેણે પીસીપીએનડીટી એકટની જોગવાઇઓ અને નિયમનો ભંગ કર્યો છે. તપાસમાં દરમિયાન નજરે પડેલી આ ગેરરિતીઓ બાદ, ડોક્ટર સામે ફરિયાદ થયેલી છે.