Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પગાર, મહેનતાણુ લેવાનુ ટ્રસ્ટીઓનુ વલણ અયોગ્ય - હાઈકોર્ટ

ટ્રસ્ટીઓ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના માત્ર રખેવાળ - હાઈકોર્ટ

અમદાવાદ: એશિયા ચેરીટેબલ ટ્રસ્ટ(અમદાવાદ સાઉથ ઇન્ડિયન એસોસીએશન)માંથી લાખો રૂપિયાનો પગાર લઇ ટ્રસ્ટના હેતુ અને ભંડોળના દૂરપયોગ કરવાના ચકચારભર્યા કેસમાં અરજદાર ટ્રસ્ટી કે.એલ.એન.શાસ્ત્રી સહિતના લોકોએ જોઇન્ટ ચેરિટી કમિશનરના હુકમ સામે રાહત માગતી કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટમાંથી પગાર, મહેનતાણું(રેન્યુમરેશન) લેવાના ટ્રસ્ટીઓનુ વલણ અયોગ્ય છે. ટ્રસ્ટીઓ  પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના માત્ર રખેવાળ જ હોય છે અને તેથી ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થીઓ પ્રતિ તેમની જવાબદેહી બને છે. અરજદાર ટ્રસ્ટીઓ ટ્રસ્ટ ડીડની જોગવાઇ મુજબ જ નહી પરંતુ નૈતિકતાના દ્રષ્ટિકોણથી પણ ટ્રસ્ટમાંથી કોઇ પગાર, ભથ્થાં કે રેન્યુમરેશન સ્વીકારવા માટે હક્કદાર બનતા નથી.

કેસની વિગત જોઈએ તો, ધી ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ 1950ની કલમ 41 હેઠળ એશિયા ચેરીટેબલ ટ્રસ્ટ (અમદાવાદ સાઉથ ઇન્ડિયન એસોસીએશન)ના લાભાર્થી હરેન્દ્ર વ્યાસ દ્વારા ટ્રસ્ટીઓ કે.એલ.એન.શાસ્ત્રી, એમ.પી.ચંદ્રન સહિતના અન્યો સામે ચેરિટી કમિશનરમાં અરજી કરી સામાવાળાઓ ટ્રસ્ટમાંથી કોઇ પગારભથ્થાં કે અન્ય નામે કોઇ રકમ ટ્રસ્ટ કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાં લે નહી તેમ જ કોઇ પગારભથ્થાં મેળવેલ હોય તે વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ટ્રસ્ટમાં જમા કરાવે, તેમ જ મહેનતાણાં કે ભથ્થા સંબંધે કોઇ કરાર કરેલ હોય તો તેવા ઠરાવ રદ કરવા દાદ માંગી હતી. જોઇન્ટ ચેરિટી કમિશનરે 21-9-2020ના રોજ હુકમ કરેલો કે, કે.એલ.એન.શાસ્ત્રી સહિતના સંબંધિત ટ્રસ્ટીઓને તાત્કાલિક પગાર-મહેનતાણું લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત, ચેરિટી કમિશનરે હુકમમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018-19ના ઓડિટ એકાઉન્ટસને ધ્યાને લેતાં સામાવાળા નં-૩થી ૬એ ટ્રસ્ટમાંથી મોટી રકમ લીધી હોવાનું જણાય છે. સામાવાળા નં 3 એમ.પી.ચંદ્રનને રૂ. 51 લાખ, નં 4 કે.એલ.એન.શાસ્ત્રીને રૂ..પાંચ લાખ, નં-૫ કે.પી.એમ.નાયરને રૂ. 13.50 લાખ અને નં-6 થમ્મેય વર્ગીસને રૂ. 8.10 લાખ ટ્રસ્ટ ફંડમાંથી ચૂકવાયા છે. જયારે દસ્તાવેજી પુરાવામાં રજૂ કરેલ કે ટ્રસ્ટ ડીડમાં ટ્રસ્ટીઓને મહેનતાણાં કે મહેનતાણું ચૂકવવાની કોઇ જોગવાઇ નથી અને અન્યથા પણ ટ્રસ્ટીઓ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી તરીકે ફરજો બજાવવા બદલ કોઇ મહેનતાણું કે રેમ્યુનરેશન મેળવી શકે નહી, છતાં પણ આ લોકોએ તે લીધુ છે અને તેથી તેમ કરતાં અટકાવવાની જરૃર જણાય છે. તેથી વચગાળાનો હુકમ કરાય છે કે, આ લોકો ઉપરાંત કોઇપણ ટ્રસ્ટીએ ટ્રસ્ટમાંથી કોઇ રકમ લેવી નહીં. 

અરજીનો વિરોધ કરતા રજૂઆત કરાઈ હતી કે, એક બાજુ અરજદારો એવો દાવો કરી રહ્યા છે કે તેઓ ટ્રસ્ટી છે અને તેથી ટ્રસ્ટીઓને બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ હેઠળ રેન્યુમરેશન અને પગાર લેવાનો અધિકાર છે. બીજી બાજુ, તેઓ એવી દલીલ કરે છે કે તેઓ ટ્રસ્ટી તરીકે કોઇ રેન્યુમરેશન નથી લેતાં. પરંતુ તેઓ જે.જી.યુનિવર્સિટીના એક્ઝિકયુટીવ ડાયરેકટર તરીકે રેન્યુમરેશન લઇ રહ્યા છે અને તેમની નોકરીની શરતો પણ નક્કી કરવામાં આવી નથી. ટ્રસ્ટ દ્વારા તેમને પગાર કે રેન્યુમરેશનુ ચૂકવવા અંગેનો કોઇ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો નથી. તેથી આ પ્રકારની કોઇપણ પ્રકારની ચૂકવણી એ ભંડોળીની ગેરરીતિ જ ગણાય. અરજદારને ટ્રસ્ટ કે જે પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ છે અને દાતાઓ મારફતે ચાલી રહ્યું છે તેમાંથી પગાર કે રેન્યુમરેશનની ચૂકવણી થાય છે પરંતુ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના ભંડોળનો ઉપયોગ ટ્રસ્ટ ડીડમાં ઉલ્લેખના હોય તેવા અન્ય કોઇપણ હેતુ માટે થઇ શકે નહી. અરજદારો પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોવાના નાતે કોઇપણ પ્રકારનું રેન્યુમરેશન લઇ શકે નહી. ટ્રસ્ટના ટ્રસ્ટીડીડમાં ટ્રસ્ટીઓને કોઇ મહેનતાણાની કે ભથ્થાં આપવાની કોઇ જોગવાઇ નથી, તેમ છતાં સામાવાળા ત્રણથી છ અસામાન્ય એવી મોટી રકમ ટ્રસ્ટમાંથી લઇ રહ્યા છે. ટ્રસ્ટડીડની જોગવાઇ મુજબ, સામાવાળા ટ્રસ્ટીઓની ટ્રસ્ટી તરીકેની મુદત પણ પૂર્ણ થઇ ગઇ છે. જોઇન્ટ ચેરિટી કમિશનરનો આ હુકમ યોગ્ય અને યથાર્થ છે.

ચેરીટેબલ ટ્રસ્ટ કોઇ ચોક્કસ વર્ગ કે લોકો માટે ના હોઇ શકે-  હાઇકોર્ટ 

હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદારો અમદાવાદસાઉથ ઇનડિયન એસોસીએશન(એશિયા ચેરીટેબલ ટ્રસ્ટ)ના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટની કલમ-૩મા સ્પષ્ટ જણાવેલ છે કે, ટ્રસ્ટના ભંડોળનો કોઇપણ પ્રકારના નાત-જાત કે વર્ણના ભેદ વિના ચેરીટેબલ હેતુ અથવા તો સામાન્ય પબ્લીક માટે કેવી રીતે ઉપયોગ કરવો તેનો ઉલ્લેખ છે. એટલે કે, ચેરીટેબલ ટ્રસ્ટ કોઇ ચોક્કસ વર્ગ કે લોકો માટે ઉભુ કરાયુ નથી પરંતુ કોઇપણ નાત-જાત, વર્ણ કે સંપ્રદાયના ભેદભાવ વિના સામાન્ય પબ્લીક માટે અને ચેરીટેબલ હેતુ માટે ઉભુ કરવામાં આવેલ છે. સમાજના તમામ વર્ગો સુધી ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિના લાભો પહોંચે તે ટ્રસ્ટની રચના પાછળનો આશય હોય છે. ટ્રસ્ટના ભંડોળમાં લાખો રૃપિયાના ગેરરીતિના ગંભીર આક્ષેપો જોતાં અને આ આક્ષેપો ખુદ ટ્રસ્ટીઓ સામે જ છે ત્યેારે તેની તપાસ જરૃરી બની રહે છે. ટ્સ્ટીઓ માત્ર ટ્રસ્ટના રખેવાળ જ હોય છે અને તેથી ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થીઓ પ્રતિ તેમની જવાબદેહી બને છે. જોઇન્ટ ચેરિટી કમિશનર દ્વારા આ કેસમાં યોગ્ય રીતે વિચારણા કર્યા બાદ જ હુકમ કરાયો છે. ટ્રસ્ટ ડીડની જોગવાઇ મુજબ જ નહી પરંતુ નૈતિકતાના દ્રષ્ટિકોણથી પણ અરજદારો કોઇ પગાર, ભથ્થાં કે મહેનતાણું સ્વીકારવા માટે હક્કદાર બનતા નથી. જોઇન્ટ ચેરિટી કમિશનરનો હુકમ યોગ્ય અને વાજબી છે, તેથી તેમાં હાઇકોર્ટની દરમ્યાનગીરી ન્યાયોચિત જણાતી નથી.