Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- કાયદાનુ પાલન ન કરનારા લોકો સામે કડકાઈથી કામ લો, માત્ર ડ્રાઈવ ચલાવવાથી ચાલશે નહીં - હાઈકોર્ટ

- રોંગસાઈડ પર વાહન ચલાવનારાને રોકવા ટાયર કિલર્સ નાખ્યા પણ લોકો તેનુ પણ પાલન કરતા નથી, કાયમી ઉકેલના પગલા લો - હાઈકોર્ટ  

અમદાવાદ: રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર રસ્તાઓ, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફિક સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર રાજય સરકાર, એએમસી અને પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, શહેરના માર્ગો પર લોકો દારૂ પીને પૂરપાટ ઝડપે બેફામ રીતે વાહનો હંકારી રહ્યા છે ત્યારે કાયદાનો ભંગ કરનારા આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા સત્તાવાળાઓએ બિલકુલ સખ્તાઇ અને કડકાઇથી કામ લેવું પડશે. પોલીસના ડ્રાઇવ કર્યા માત્રથી નહી ચાલે પરંતુ કાયદાની કડકાઇથી અમલવારી કરાવો. સારા નાગરિકની વર્તણૂંક કેવી હોવી જોઇએ તેનું ભાન આવા તત્વોને કરાવો. રોંગ સાઇડમાં વાહન ચલાવનારાને રોકવા તમે ટાયર કિલર્સ નાંખ્યા તો લોકોએ તેનો તોડ પણ શોધી કાઢયો એટલે તમારે સીસીટીવી, કાયમી વોર્નિંગ મૂકવા સહિતના પગલાં લેવા જોઇએ.

હાઈકોર્ટે સરકાર અને એએમસીને સીધો સવાલ કર્યો હતો કે, તમે કેટલા અકસ્માતો રોકયા અને કેટલાના જીવ બચાવ્યા? માત્ર ડ્રાઇવ કરવાથી નહી ચાલે, ધરાતલ પર નક્કર અને સખ્તાઇથી કામગીરી કરવી જ પડશે. જો સરકાર કે એએમસી સંપૂર્ણ ઇચ્છાશકિત સાથે કામ નહી કરે તો કોર્ટ એવા લોકોની નિમણૂંક કરી અધિકાર આપી કામગીરી કરાવી શકે છે.

અમદાવાદમાં અલગ-અલગ ૨૩ જગ્યાએ ટાયર કિલર્સ લગાવાશે

સરકારની રજૂઆત હતી કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર, રોંગ સાઇડમાં વાહનો પ્રતિબંધિત કરવા માટે અને અક્સ્માત નિવારવાના ભાગરૂપે શહેરમાં 23 જેટલા સ્થળોએ ટાયર કિલર્સ લગાવાશે. પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહનો અટકાવવા જે પોઇન્ટ અલગ તારવાયા છે, તેમાં હેબતપુર ઓવરબ્રીજ, સોલા બ્રીજ નીચે, કારગીલ ચાર રસ્તા, ભાગવત ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ચાણકયપુરી બ્રિજ અને પ્રભાત ચોક, જજીસ બંગલો ચાર રસ્તા, શ્યામલ બ્રિજ, કારગિલ ચાર રસ્તા પાસેથી પસાર થતા બ્રિજની બંને બાજુ, ઉજાલા સર્કલ, સાણંદ સર્કલ, વાયએમસીએ કલબ, પ્રહલાદનગર ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, પકવાન પાસે આવેલા બંને બ્રિજના છેડે, ગુરૃદ્વારા ચાર રસ્તા, કર્ણમુકતેશ્વર મહાદેવ (એરપોર્ટ), સુતરના કારખાના ત્રણ રસ્તા, નાના ચિલોડા બ્રીજના દક્ષિણ છેડે, શાસ્ત્રી પેટ્રોલ પંપની બાજુમાં વગેરેનો સમાવેશ થાય છે.

ડ્રિંક એન્ડ ડ્રાઇવ ઝુંબેશ અંતર્ગત 205 લોકોની ધરપકડ

સરકારે એ પણ જણાવ્યું હતુ કે, પોલીસ દ્વારા છેલ્લા બે સપ્તાહ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઇવ  સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ મામલે કુલ ૨૦૫ ગુનાઓ નોંધાયા  હતા અને તેમાં ૨૦૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસોમાં કુલ 205 આરોપીઓની ધરપકડ પણ કરાઈ હતી. ટ્રાફિક નિયમ તોડવા મુદ્દે 639 ગુના નોંધી 118 વાહનો જપ્ત કરાયા હતા અને કુલ 5234 ઇ ચલણ જારી કરી રૂ. 32.32 લાખથી વધુનો દંડ વસૂલાયો છે.

શહેરમાં વાહનો ટોઇંગ કરવા વધુ 20 ક્રેઇન લવાશે

સરકારની એ પણ રજૂઆત હતી કે, હાલ ટ્રાફિક પોલીસ માટે શહેરમાં વાહનો ટોઇંગ કરવા માટે ૧૬ ટોઇંગ વાન ઉપલબ્ધ છે. જો કે, ટોઇંગની કામગીરી વધુ અસરકારક રીતે થઇ શકે તે હેતુથી વધુ 20 ક્રેઇન લાવવામાં આવનાર છે. જેમાં ટુ વ્હીલર વાહનો ટોઇંગ કરવા માટે વધુ 14 ક્રેઇન અને ફોર વ્હીલર વાહનો ટોઇંગ કરવા માટે વધુ છ ક્રેઇન લાવવામાં આવશે.

ખતરનારક ડ્રાઇવીંગ બદલ 1254 કેસો અને રૂ. 28.54 લાખ દંડની વસૂલાત

રાજય સરકાર તરફથી 25-7-23થી 7-8-23 સુધીની કાર્યવાહી રજૂ કરાઇ હતી કે, સીટ બેલ્ટ ભંગના 1597 કેસોમાં રૂ. 8.06 લાખ જેટલો દંડ વસૂલાયો છે. તો, ખોટી લેનના ઉપયોગ બદલ 166 કેસોમાં રૂ. 2.97 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. હેલ્મેટ નહી પહેરવા અંગે 424 કિસ્સાઓમાં રૂ. 2.20 લાખથી વધુ દંડ વસૂલાયો છે. નો પાર્કિંગ અંગે 3506 કેસો કરી રૂ. 17.30 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. ચાલુ વાહને મોબાઇલ ઉપયોગ બદલ ૨૫૦ જેટલા કિસ્સામાં રૂ. 1.30 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. ફેન્સી નંબર પ્લેટ બદલ 1792 કેસો કરી રૂ. 7.16 લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલાઇ છે. રોંગ સાઇડમાં ખતરનાક ડ્રાઇવીંગ અંગે 1254 કેસો કરી રૂ. 28.54 લાખથી વધુનો દંડ વૂસલાયો છે.

ગેરકાયદે પાર્કિંગ માટે છેલ્લા 14 દિવસમાં રૂ. 18 લાખથી વધુનો દંડ વસૂલાયો

સરકારના સોગંદનામાંમાં બહુ મહત્ત્વના આંકડા રજૂ થયા હતા કે, ગેરકાયદે પાર્કિંગ બદલ છેલ્લા 14 દિવસમાં કસૂરવાર લોકો પાસેથી રૂ. 18.03 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. વર્ષ 2022-23ના વર્ષ દરમિયાન  ગેરકાયદે પાર્કિંગ મુદ્દે રૂ. 1.41 કરોડથી પણ વધુની રકમ કસૂરવાર લોકો પાસેથી દંડ પેટે વસૂલવામાં આવી છે.

વર્ષ 2022-23માં 27,852 વાહનો ટોઇંગ કરાયા, રૂ. 2.17 કરોડથી વધુ દંડ વસૂલાયો

વર્ષ 2022-23માં કુલ 27,852 વાહનો ટોઇંગ કરાયા અને તે પેટે કસૂરવાર લોકો પાસેથી રૂ. 2,17,76,200 જેટલી રકમ દંડ પેટે વસૂલાઈ છે. પૂર્વ ઝોનમાં એક અઠવાડિયામાં 1437 વાહનો કલેમ્પ કરાયા, પશ્ચિમ ઝોનમાં 695 વાહનાને કલેમ્પ કરાયુ. વર્ષ 2022-23માં કુલ 13,660 વાહનોનું કલેમ્પીંગ કરી રૂ. 83.43લાખથી વધુનો દંડ કલેમ્પીંગ હેઠળ વસૂલાયો.