Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- રાજકોટમાં પોલીસકર્મીઓ સામેની કન્ટેમ્પ્ટની અરજી ટકવાપાત્ર નથી તેવા સરકારને દાવાને હાઈકોર્ટે નકાર્યો

- પોલીસ કર્મી તો અરજી ટકવાપાત્ર નથી તેવો દાવો કરે છે, પરંતુ સરકાર પણ આમાં સમર્થન આપે છે, તે આશ્ચર્યજનક છે

રાજકોટમાં આરોપીની જાહેરમાં પરેડ કરાવવા અને તેમને કસ્ટડીમાં મારવાના કેસમાં કન્ટેમ્પ્ટની અરજીનો સામનો કરતા પાંચ પોલીસ કર્મીઓનો રાજ્ય સરકારે બચાવ કરતા, હાઈકોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી છે.

પોલીસ કર્મચારીઓની રજૂઆત હતી કે આ કન્ટેમ્પ્ટની અરજી ટકવાપાત્ર જ નથી. આ સમયે, હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરેલી કે સુપ્રીમ કોર્ટ દ્વારા કન્ટેમ્પ્ટની અરજી સંદર્ભે કાયદો પ્રસ્થાપિત કરેલો છે. રાજ્ય સરકાર આ બાબતને ભૂલી શકે છે, પરંતુ હાઈકોર્ટ આ બાબતને ભૂલી શકે નહીં. નવાઈની વાત તો એ છે કે રાજ્ય સરકાર પણ આ કન્ટેમ્પ્ટની અરજી ટકવાપાત્ર નથી, તેવી વાત કરે છે. હાઈકોર્ટના કડક વલણ બાદ, પાંચેય પોલીસ કર્મચારીઓએ માફી માગી હતી. આ કેસની વધુ સુનાવણી પાંચ જુલાઈએ હાથ ધરાશે.

કેસની વિગત જોઈએ તો, રાજકોટના પાંચ પોલીસ કર્મચારીઓ (બી.ટી. ગોહિલ, એમ.જે. ધાંધલ, વી.એસ.લાંબા, જયભા પરમાર, પ્રદ્યુમનસિંહ ઝાલા) પર આરોપ છે કે તેમણે વર્ષ 2016માં આરોપી અજય કુંભારવાડીયાને જાહેરમાં પરેડ કરાવેલી અને મારેલો. આ પછી, આરોપીએ પાંચેય પોલીસ કર્મચારીઓ સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરેલી.

કોર્ટના કાર્યવાહીના ડરથી પોલીસ કર્મીઓએ જેલમાં બંધ આ આરોપી સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરેલો. આ આરોપીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરાયેલી છે અને તે છોટાઉદેપુરની જેલમાં છે. પોલીસ કર્મીઓ તેને કન્ટેમ્પ્ટની અરજી પરત ખેંચવા માટે સમજાવવામાં અસફળ રહેલા. કેસની કાર્યવાહીમાં વિલંબ મુદ્દે હાઈકોર્ટે પોલીસ કર્મીઓને રૂ, 10 હજારનો દંડ ફટકારેલો.   

હાઈકોર્ટમાં આ કેસમાં સમયાંતરે મુદતો પડતી રહી હતી અને કન્ટેમ્પ્ટની અરજી ચલાવવાના હાઈકોર્ટના નિર્ણય સામે પોલીસ કર્મીઓએ સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ કરેલી. બીજી તરફ, પોલીસ કર્મીઓ અને રાજ્ય સરકારે આ કન્ટેમ્પ્ટની અરજી ટકવાપાત્ર નથી તેવો દાવો કરેલો. જેને હાઈકોર્ટે નકાર્યો હતો.