Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- હાઈકોર્ટની વેબસાઈટ પર એક લાખ ચુકાદાઓ, તો પોલીસ પણ તેની વેબસાઈટ પર નિયમો મુકી શકે, વેબસાઈટ ધીમી હોવાનુ કારણ સમજથી પરે - હાઈકોર્ટ

- દેખાવોની મંજૂરી ન આપવા મુદ્દે ક્યાં નિયમો છે, તેને વેબસાઈટ પર મુકવા હાઈકોર્ટે પોલીસને નિર્દેશ આપેલો, અમલ ન થતા કન્ટેમ્પ્ટ અરજી થયેલી

શહેરમાં દેખાવો કરવા માટે થતી અરજીઓને પોલીસ દ્વારા નકારવામાં આવે છે તે ક્યાં નિયમો હેઠળ નકારવામાં આવે છે તે અંગેનો જવાબ સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલો. સુનાવણી દરમિયાન, સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરેલી કે દરેક વસ્તુઓ વેબસાઈટ પર અપલોડ કરવી અને તેની જાળવણી રાખવામાં ઘણો સમય જતો હોય છે. આ ઉપરાંત, માહિતીના સતત ભારણના લીધે વેબસાઈટ પર ધીમી ચાલતી હોય છે. જેના લીધે માહિતી અપલોડ કરવામાં પણ સમય જાય છે. જો કે, હાઈકોર્ટે સરકારના આ જવાબ અંગે અસંતોષ વ્યક્ત કરતા સરકારને ટકોર કરેલી કે આજના સમયમાં આ કારણ અર્થહીન જણાય છે. જો હાઈકોર્ટના વેબસાઈટ પર 1 લાખ ચુકાદાઓ ઉપલબ્ધ છે અને તે નિરંતર યોગ્ય રીતે ચાલી જ રહી છે, તો આ પોલીસની વેબસાઈટ પણ યોગ્ય રીતે ચાલી જ શકે છે. સરકાર તેની જવાબદારીથી ભાગે નહી, આ કામ કરવુ પડશે. આ અંગે સરકારને પુરતો સમય આપવામાં આવે છે. આ અંગેનો જવાબ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

હાઈકોર્ટે સરકારને એ પણ ટકોર કરેલી કે પોલીસને નિર્દેશ છે કે આ અંગેના નિયમો તેમની વેબસાઈટ પર મુકવામાં આવે. તમે લોકોને એવુ ન કહી શકો કે તેઓ જે તે વેબસાઈટ પર જઈને આ નિયમો મેળવી લે. આ નિયમો તો પોલીસની વેબસાઈટ પર મુકવા જ પડશે. આ અંગે હાઈકોર્ટે પોલીસને નિર્દેશ આપેલા જ છે અને તેનુ પાલન કરો.

કેસની વિગત જોઈએ તો, એક મહિલા દ્વારા સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં દેખાવો કરવા માટે ડિસેમ્બર-2019માં પોલીસની મંજૂરી માગેલી, જો કે પોલીસે તેની અરજી નકારેલી અને તેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરેલી. જેમાં ચાલુ વર્ષે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ કરેલો કે ક્યાં નિયમો અને કાયદા હેઠળ દેખાવની મંજૂરી અપાતી નથી તેની માહિતી જાહેર કરો. જો કે, અમદાવાદ પોલીસે આ માહિતી ન આપતા અરજદારે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરેલી. જેમાં, થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસે જવાબ રજૂ કરેલો કે, શહેરમાં દેખાવો કરવા માટે થતી અરજીઓને પોલીસ દ્વારા નકારવામાં આવે છે તે ક્યાં નિયમો હેઠળ નકારવામાં આવે છે તેની માહિતી મળતી નથી. ગુજરાત પોલીસ એક્ટ 1951ની સેક્શન 33 હેઠળ કોઈ નિયમો બનેલા નથી. જેથી, આ બાબતે તપાસ કરવી પડશે અને આ સંદર્ભે જવાબ રજૂ કરવા માટે સમય આપો. તેઓ એમ નથી કહેતા આ અંગે કોઈ નિયમો નથી. અમદાવાદ પોલીસ એમ કહે છે કે આ અંગે જે નિયમો છે તે અંગે તેમને હાલ કોઈ માહિતી નથી. આ અંગે પોલીસ ગૃહ વિભાગ સાથે ચર્ચા કરશે. આ રજૂઆત બાદ, હાઈકોર્ટે અમદાવાદ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે આ અંગે વિગતવાર જવાબ રજૂ કરો. હાઈકોર્ટે સરકારને સવાલ કરેલો કે નિયમો અંગે માહિતી નથી તો પોલીસ ક્યાં આધારે દેખાવો માટેની અરજીઓને નકારી રહી છે? સરકારે જ નિયમો બનાવેલા છે અને તમને મળતા નથી તે જાણીને નવાઈ લાગે છે. છેલ્લા છ માસથી પોલીસ આ વાતને ખેંચી રહી છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ છે. જેનો અભ્યાસ કરવાનો છે અને આ માત્ર 10 મિનિટનુ જ કામ છે.