Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ડ્રગ્સ પ્લાન્ટ કેસની સુનાવણી અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા અને કોર્ટની પ્રોસિડિંગનુ ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ સ્વખર્ચે કરાવવાની માગ હાઈકોર્ટે ફગાવી

- સરકારે બંને અરજીઓનો વિરોધ કર્યો

અમદાવાદ: ડ્રગ્સ પ્લાન્ટ કરીને વર્ષ 1996માં રાજસ્થાનના એક વ્યક્તિને ખોટી રીતે ફસાવવાના કેસને બનાસકાંઠા જિલ્લાની અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગ સાથેની પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટ આ કેસમાં સંજીવ ભટ્ટને કોઇપણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત, સંજીવ ભટ્ટે અન્ય એક અરજી પણ કરેલી. જેમાં તેણે પોતાની વિરૃદ્ધની ટ્રાયલની પ્રોસિડીંગ્સ પોતાના ખર્ચે ઓડિયો-વીડિયો રેકોર્ડ કરવાની માગ કરેલી. જો કે, તે અરજીને પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો.

સુનાવણી દરમિયાન, સંજીવ ભટ્ટના વકીલની રજૂઆત હતી કે, જે જજની કોર્ટમાં તેમનો કેસ ચાલી રહ્યો છે, તેઓ આ કેસને પક્ષપાતપૂર્ણ ચલાવી રહ્યા છે. કોર્ટના આગ્રહથી તેમના કેસની ટ્રાયલની સુનાવણી દરરોજ કરાઈ રહી છે. બચાવ પક્ષનો પુરાવો બંધ કરી દેવાયો છે, તેમના વકીલની બિમારીને લઇ અપાયેલી અરજીને પણ કોર્ટે અગાઉ ફગાવેલી. જેથી, તેમના કેસને અન્ય કોર્ટ સમક્ષ ચલાવવામાં આવે અને આ કોર્ટ પ્રોસિડિંગ્સને ઓડિયો-વિડીયો રેકોર્ડ કરવાની મંજૂરી આપો અને આ અંગે તમામ ખર્ચ અરજદાર ભોગવવા તૈયાર છે.

બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે, અરજદાર વિરૂદ્ધ ગંભીર પ્રકારના ગુનાનો સંવેદનશીલ કેસ છે અને કેસનો ટ્રાયલ ન્યાયિક પ્રક્રિયાને અનુરૂપ રહ્યો છે. અરજદારે તેની અરજીમાં જે આશંકા અને આક્ષેપ કર્યા છે તે અવાસ્તવિક અને પાયાવિહોણા છે. અરજદારની આ બંને અરજીઓ કંઈ નથી. તેઓ માત્ર ને માત્ર કેસનો ટ્રાયલ વિલંબિત અને ન્યાયિક પ્રક્રિયામાં અડચણ ઉભી કરવા માગે છે અને તેના ભાગરૂપે આ અરજી કરાઇ છે. જેથી, અરજદારની અરજીઓને ફગાવી દો.