Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, રાજયમાં MBBS કોર્સમાં રાજ્ય કવોટાની બેઠકો નિર્ણિત કરવાનો રાજય સરકારને અધિકાર અને સત્તા છે. હાઇકોર્ટે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતમાં એમબીબીએસની સ્ટેટ કવોટાની બેઠકો વધારવાની માગ સાથે કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે.

હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, અરજદાર વિદ્યાર્થીઓને આ પ્રકારની રાહત માંગવાનો કોઇ અધિકાર નથી કારણ કે, આ વિષય સરકારના સત્તાક્ષેત્રની બાબત છે. હાઇકોર્ટે એ પણ કહ્યું છે કે, અરજદારની હાલની પિટિશન ગેરમાર્ગે દોરનારી છે. આ કેસમાં બંધારણની કલમ-૧૪ કે ૧૬ની જોગવાઇઓનો કોઇ ભંગ થયાનું જણાતુ નથી અને તેથી અરજદારને વિદ્યાર્થીઓને એમબીબીએસમાં પ્રવેશ માટે બેઠકો વધારવા અંગેની રાહત માંગવાનો કોઇ અધિકાર બનતો નથી. એમબીબીએસના કોર્સમાં ખાસ કરીને સ્ટેટ કવોટાની બેઠકો નક્કી કરવાની બાબત એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે અને સરકાર તેની માળખાકીય વ્યવસ્થા અને સ્ત્રોત સહિતની બાબતો ધ્યાનમાં લઇ તે નક્કી કરી શકે છે. સરકારના નીતિ વિષયક નિર્ણયમાં અદાલતની દરમિયાનગીરી ન્યાયોચિત નહી લેખાય.

હાઇકોર્ટે એ પણ કહ્યું છે કે, એમબીબીએસની સ્ટેટ કવોટાની બેઠકોમાં વધારો કરવો એ કંઇ સરળ પ્રક્રિયા નથી. આ અંગેનું વિસ્તરણ એ સરકાર પર વધારાનો બોજો અને કાર્યભાર લાદે છે. જેમાં નેશનલ મેડિકલ કમિશન અને મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની મંજૂરી સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, ઓપન કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગની 10 ટકા બેઠકો ભેળવી દેવાથી ઓપન કેટેગરી માટે બેઠકમાં ઘટાડો થતાં તે સરભર કરવા સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. જો કે, હાઇકોર્ટે અરજદારોની દલીલો ગ્રાહ્ય રાખી ન હતી.