Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવસટી વિશે બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહે મેટ્રોપોલીટન કોર્ટની પ્રોસીડીંગ્સને પડકારતી રિવીઝન અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે.દવેએ આપના નેતાઓની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પડતર રિવીઝન અરજી અન્ય જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવા હુકમ કર્યો હતો. વધુમાં, આપના બંને નેતાઓની ટ્રાન્સફર થયેલી રિવીઝન અરજી દસ દિવસમાં નિર્ણિત કરવા પણ હાઇકોર્ટે સંબંધિત કોર્ટને હુકમ કર્યો હતો.

જસ્ટિસ સમીર જે.દવેએ આપના નેતાઓની નીચલી કોર્ટમાં પડતર રિવીઝન અરજી અન્ય કોર્ટમાં એટલા માટે ટ્રાન્સફર કરી હતી કે, આ મેટર જે જજની કોર્ટમાં પડતર છે, તે રજા પર છે અને તેમણે આ મેટરની સુનાવણી તા.૧૬મી સપ્ટેમ્બરે રાખી છે, જયારે મેટ્રોપોલીટન કોર્ટમાં આ કેસની સુનાવણી તા.31મી ઓગસ્ટે નિર્ધારિત થયેલી છે. 

મેટ્રોપોલીટન કોર્ટના સમન્સને સ્ટે કરવાની વચગાળાની માંગ કરતી અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના હુકમ સામે આપના બંને નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી. જો કે, જસ્ટિસ સમીર જે.દવેએ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને હાલના તબક્કે કોઇપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો અગાઉ સાફ ઇન્કાર કરી દીધો હતો.

આ કેસની વિગત એવી છે કે, ગુજરાત યુનિવસટીના કુલસચિવ ડો.પિયુષ પટેલે આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૃધ્ધ અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૂધ્ધ સમન્સ જારી કર્યા હતા. જો કે, છેલ્લા ત્રણેક મહિનાથી આ બને નેતાઓ કોર્ટ સમન્સ અને નિર્દેશ છતાં અદાલત સમક્ષ હાજર થયા ન હતા અને તા.26મી જૂલાઇએ મેટ્રો કોર્ટમાં હાજર થવાનું આવે તે પહેલાં જ આપના આ બંને નેતાઓએ સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી મેટ્રોપોલીટન કોર્ટના સમન્સના હુકમને પડકાર્યો હતો. પરંતુ સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની વચગાળાની રાહત માંગતી રિવીઝન અરજી ધરાર ફગાવી દીધી હતી અને તેમને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે આપના બંને નેતાઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.

જો કે, આજે ગુજરાત યુનિવર્સિટી અને રાજય સરકાર તરફથી આપના નેતાઓની અરજીનો વિરોધ કરાયો હતો. પક્ષકારોને સાંભળ્યા બાદ જસ્ટિસ સમીર જે.દવેએ ઉપરોકત હુકમ સાથે આપના નેતાઓની રિવીઝન અરજીનો નિકાલ કર્યો હતો.