Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટનો રાજ્યના ડીજીપી અને કાયદા સચિવને આદેશ, પંચનામા-પંચો સહિતના મામલે ચાર સપ્તાહમાં એક નીતિ ઘડો

કોઇપણ ગુનામાં પોલીસ દ્વારા પંચનામા સહિતની પ્રક્રિયામાં રાખવામાં આવતી કચાશ અને ક્ષતિના કારણે તેમ જ પંચો ફુટી જવાના કારણે ઘણીવાર આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે, તેથી આ બાબતની ગંભીર નોંધ લઇ ગુજરાત હાઇકોર્ટે પંચનામા-પંચો સહિતના મામલે ચાર સપ્તાહમાં એક નીતિ ઘડવા રાજયના ડીજીપી(પોલીસ મહાનિર્દેશક) અને કાયદા સચિવને હુકમ કર્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે હુકમના પાલન સંબંધી જરૃરી રિપોર્ટ પણ અદાલત સમક્ષ રજૂ કરવા ડીજીપીને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર માર્ગદર્શિકા ચાર સપ્તાહમાં ઘડી કાઢવા આદેશ કર્યો છે.

વડોદરામાં સાત વર્ષની બાળકીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા એક વ્યકિતને નિર્દોષ જાહેર કરતી વખતે તપાસની ખામીઓ અને તપાસ અધિકારી દ્વારા યોગ્ય રીતે પંચનામું કરવામાં આવ્યું નહી હોવાના સહિતની ક્ષતિઓ હાઇકોર્ટના ધ્યાન પર આવી હતી.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પંચો એ સ્વતંત્ર વ્યકિતઓ છે કે જેમની હાજરીમાં પંચનામ તૈયાર કરવામાં આવે છે અને કેસના ટ્રાયલ દરમ્યાન તેમનું વલણ બહુ મહત્વ રાખે છે. હાઇકોર્ટે પોતાના હુકમ મારફતે રાજયના કાયદા સચિવ અને રાજયના પોલીસ મહાનિર્દેશકને આ સમગ્ર મામલે નીતિ-માર્ગદર્શિકા તૈયાર કરવાનું ફરમાન કર્યું હતું અને જણાવ્યું કે, રાજયના તમામ પોલીસ મથકો-તપાસનીશ અધિકારીઓને કોઇપણ કેસની તપાસમાં સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓમાં અપાયેલા પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાનમા રાખી કાયદાનુસાર પંચનામા તૈયાર કરવા તેમ જ આવા કેસોમાં જયારે પંચો ફુટી જાય અથવા જુબાનીમાંથી ફરી જાય ત્યારે કયા પ્રકારના પગલાં લેવા તે સહિતના મુદ્દે જરૃરી સૂચનાઓ પરિપત્ર મારફતે પણ જારી કરવામાં આવે.

આ પણ વાંચો : હાઈકોર્ટનો ચુકાદો: કર્મચારીની હકાલપટ્ટીના કેસમાં જો નોકરીદાતાની ભૂલ-ચૂક હોય તો લેબર કોર્ટ સો ટકા પાછલુ વેતન મંજૂર કરી શકે