Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, કોઇપણ મિલ્કત વકફ પ્રોપર્ટી છે કે નહી તે વકફ ટ્રિબ્યુનલ જ નિર્ણિત કરી શકે અને તે મામલે ટ્રિબ્યુનલ સમક્ષ કરાયેલી અરજી ટકવાપાત્ર છે. ખંભાતમાં મુસ્લિમોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા કદમ-એ-રસૂલ  અને તેની આજુબાજુની જગ્યા વકફ પ્રોપર્ટી છે કે નહી તે અંગેના વિવાદમાં થયેલી રિવીઝન અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે કદમ-એ-રસૂલની આસપાસની જગ્યાના વેચાણ સામે ટ્રિબ્યુનલ દ્વારા જારી કરાયેલા મનાઇહુકમને પણ ચાલુ રાખ્યો છે.

આ કેસની વિગતો એવી છે કે, વર્ષો પહેલાં ખંભાતમાં તત્કાલીન નવાબ સાહેબ દ્વારા કદમ-એ-રસૂલ અને તેની આસપાસની જગ્યા ધર્માદા તરીકે દાનમાં આપી હતી. આ પછી, સમય વીત્યા બાદ હવે નવાબ સાહેબના વારસોએ કદમ-એ-રસૂલની જગ્યા અન્ય લોકોને વેચાણ અને તબદીલ કરી વકફ એકટની જોગવાઇઓનો ભંગ કરાતાં અંજુમન-એ-બઝ્મ-એ -રફીક ટ્રસ્ટ દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને વકફ ટ્રિબ્યુનલમાં દાવો કરી નવાબ સાહેબના વારસો દ્વારા કદમ-એ-રસૂલની આજુબાજુની જગ્યાની મિલ્કતના ગેરકાયદે અને અનઅધિકૃત વેચાણ પ્રક્રિયાને પડકારી હતી.

જેમાં ટ્રસ્ટની દલીલો ગ્રાહ્ય રાખી ટ્રિબ્યુનલે નવાબસાહેબના વારસોને ઉપરોકત વિવાદીત જગ્યાના વેચાણની પ્રક્રિયા સામે મનાઇહુકમ ફરમાવ્યો હતો. જેની સામે નવાબસાહેબના વારસો અને આ વિવાદીત જગ્યા ખરીદનાર સંબંધિત પક્ષકારો તરફથી ટ્રિબ્યુનલ સમક્ષ રિવીઝન અરજી કરાઈ હતી. જેમાં, રજૂઆત કરાઈ હતી કે, અંજુમન-એ  ટ્રસ્ટ અને પ્રતિવાદીઓએ ટ્રિબ્યુનલ સમક્ષ વકફ પ્રોપર્ટી મુદ્દે કરેલો દાવો ટકી શકે નહી કારણ કે, તેઓએ દાવો કરવો હોય તો સિવિલ કોર્ટમાં કરવો પડે. જેની સામે અંજુમન-એ-બઝ્મ-એ રફીક ટ્રસ્ટના પ્રતિવાદીઓના વકીલની રજૂઆત હતી કે, કદમ-એ-રસૂલ અને તેની આસપાસની જગ્યા એ વકફ પોર્પર્ટી છે કારણ કે, વર્ષો પહેલાં નવાબસાહેબે આ સમગ્ર મિલ્કત ધર્માદામાં આપી છે. જેથી વકફ એકટની જોગવાઇ મુજબ, કોઇપણ વકફ પ્રોપર્ટી વેચી શકાય નહી કે ટ્રાન્સફર-તબદિલ કરી શકાય નહી. ટ્રસ્ટની આ દલીલો ગ્રાહ્ય રાખી ટ્રિબ્યુનલે નવાબસાહેબના વારસો અને પ્રોપર્ટી ખરીદનારાઓની અરજી ફગાવી દીધી હતી. જેની સામે તેમણે હાઇકોર્ટમાં રિવીઝન અરજી કરી હતી. જેનો વિરોધ કરતાં અંજુમન-એ-બઝ્મ-એ રફીક ટ્રસ્ટના પ્રતિવાદીઓની રજૂઆત હતી કે, પ્રતિવાદીઓએ ઉપરોકત વિવાદીત પ્રોપર્ટીને વકફ પ્રોપર્ટી જાહેર  કરવા વકફ બોર્ડમાં અરજી કરી છે. તો, પ્રતિવાદીઓએ વકફ ટ્રિબ્યુનલ સમક્ષ કરેલી અરજી પણ વકફ એકટની કલમ-83(1) અને 83(2) મુજબ ટકવાપાત્ર છે, તે અંગેના મહત્ત્વના પુરાવા અને મટીરીયલ્સ પણ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરાયા છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કદમ એ રસૂલી આજુબાજુની જમીન(જગ્યા) એ નિર્વિવાદપણે વકફ પ્રોપર્ટી ઠરે છે. તેથી કદમ-એ-રસૂલ-એહ મુબારક રોઝા એ વકફ પ્રોપર્ટી છે કે નહી તે ટ્રિબ્યુનલ જ નિર્ણિત કરી શકે. કદમ-એ-રસૂલ અને તેની આસપાસની જગ્યા એ નિર્વિવાદપણે વકફ પ્રોપ્રટી છે અને વકફ એકટની જોગવાઇ મુજબ, કોઇપણ વકફ પ્રોપર્ટી વેચી શકાય નહી કે ટ્રાન્સફર-તબદિલ કરી શકાય નહી., તેથી અરજદારોની રિવીઝન અરજી ટકી શકે તેમ જ નથી.

વિવાદીત પ્રોપર્ટીના વેચાણ સામે સ્ટે

કદમ-એ-રસૂલની આસપાસની ઉપરોકત વિવાદીત જગ્યાના વેચાણ સામે વકફ ટ્રિબ્યુનલે ફરમાવેલો મનાઇહુકમ પણ હાઇકોર્ટે ચાલુ રાખ્યો હતો. હાઇકોર્ટે તમામ પક્ષકારોને સાંભળી તેની સમક્ષની પડતર અરજીઓ ત્રણ મહિનામાં નિર્ણિત કરવા પણ ટ્રિબ્યુનલને હુકમ કર્યો હતો. જો કે, રિવીઝન અરજીઓ ફગાવી દેવાતાં અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટને વિનંતી કરાઇ હતી કે, હાલ વકફ ટ્રિબ્યુનલમાં સભ્યોની નિમણૂંક નહી હોવાના કારણે ટ્રિબ્યુનલ કાર્યરત નથી, તેથી મનાઇહુકમ આપવામાં આવે. જેથી હાઇકોર્ટે વકફ દાવાની પ્રોસીડીંગ્સને આઠ સપ્તાહ માટે સ્ટે કરતો હુકમ કર્યો હતો.