Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: વિવિધ બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર અમિત ભટનાગરની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, બેંકમાંથી લોન લેનાર લેણદારના ખાતાને ફ્રોડ એકાઉન્ટ જાહેર કરતાં પહેલા બેંકે તેને શો-કોઝ નોટિસ આપવી પડે અને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ પણ આપવો પડે. આ પછી  જ બેંક દ્વારા લેણદારના ખાતાને ફ્રોડ એકાઉન્ટ  જાહેર કરવાની કાર્યવાહી કરી શકાય.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ સહિતની સંખ્યાબંધ રાષ્ટ્રીયકૃત બેંકોએ અરજદારના બેંક એકાઉન્ટને સુપ્રીમકોર્ટના ઉપરોકત પ્રસ્થાપિત માર્ગદર્શિકા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતનું અનુસરણ કર્યા વિના ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યા છે.

હાઇકોર્ટે અરજદારની મેટર બેંક ઓફ ઇન્ડિયાના કેસ પૂરતી જ બેંકની કમિટીને રિમાન્ડ બેક કરી હતી અને બેંક સત્તાવાળાઓને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને તેમાં નિર્ણિત પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં લઇ આ મામલે નવેસરથી નિર્ણય લેવા હુકમ કર્યો છે. હાઇકોર્ટે અરજદારને પણ નિર્દેશ આપ્યો છે કે, સમગ્ર કાર્યવાહીમાં પૂરતો સાથ સહકાર આપો. હાઇકોર્ટે બેંકને પણ આદેશ આપ્યો છે કે, આ સમગ્ર મામલે છ મહિનામાં કાયદાનુસાર નિર્ણય લો.

અરજદારના વકીલની એ પણ રજૂઆત હતી કે, અરજદાર દ્વારા માત્ર બેંક ઓફ ઇન્ડિયાના પગલાંને જ આ પિટિશનમાં પડકારવામાં આવ્યું છે, અન્ય બેંકના કિસ્સામાં તેઓ કોઇ આગ્રહ રાખતા નથી.

બીજી બાજુ, બેંક ઓફ ઇન્ડિયાના વકીલની રજૂઆત હતી કે, અરજદારનું ખાતુ 13-03-2018ના રોજ ફ્રોડ એકાઉન્ટ જાહેર કરાયું હતું, ત્રણ વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં પડી રહ્યા બાદ અરજદારે વર્ષ 2021માં આ અરજી કરી છે. આ કેસમાં વિલંબ માટેનુ કારણ અરજદારે જણાવ્યું નથી.