Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લેખિતમાં જાણ કરે કે આ કોલેજ સંબંધિત અરજી પડતર છે - હાઈકોર્ટ

એલએલબીમાં પ્રવેશ ઈચ્છતા 8,500 વિદ્યાર્થીઓને હાઈકોર્ટે આપી શરતી રાહત

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી અમદાવાદ-ગાંધીનગરની 8 કોલેજોની માન્યતા બીસીઆઈએ ન લંબાવતા હાઈકોર્ટમાં અરજી થયેલી છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી અમદાવાદ અને ગાંધીનગરની આઠ કોલેજમાં LLB કોર્સમાં પ્રવેશ માટે અરજી કરનારા 8,500 વિદ્યાર્થીઓને હાઈકોર્ટે શરતી રાહત આપી છે. હાઈકોર્ટે આ કોલેજોને LLBમાં પ્રવેશ માટેની કામગીરી આગળ વધારવા માટે શરતી મંજૂરી આપી છે. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, આ પ્રશ્નના ઉકેલ માટે તમામ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીને ઝડપથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે. આ બાબતને ધ્યાને લેતા હાઈકોર્ટ હાલ યુનિવર્સિટીને ત્રણ વર્ષના એલએલબી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપે છે. આ કેસની વધુ સુનાવણી 30 જૂને હાથ ધરાશે.

હાઈકોર્ટે ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ આપ્યો છે કે, BCI દ્વારા આ કોલેજ સંબંધિત જે નિર્ણય લીધેલો છે અને તેની સામે કોલેજોએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. આ તમામ બાબતની જાણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલબીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓને લેખિતમાં કરવામાં આવે. આ ઉપરાંત, હાઈકોર્ટે બીસીઆઈને નિર્દેશ આપ્યો છે કે, બીસીઆઈની જે ટીમ ગુજરાતની મુલાકાત લેવાની છે, તે સભ્યોની યાદી રજૂ કરો.  

હાઈકોર્ટે રાજ્ય સરકાર અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને સુચન કર્યું છે કે ગ્રાન્ટ મેળવતી લો કોલેજોમાં વર્ગ, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની સંખ્યા ધારાધોરણ મુજબ રહે તે સંદર્ભે સાથે મળીને કોઈ ઉકેલ શોધે.

બીસીઆઈના મતે, એક વિભાગમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી અપાઈ છે. જો કે ગુજરાત યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ એક વિભાગમાં 90 વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી અપાઈ છે. જો એક વિભાગમાં 120 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય તો સરકાર તે કોલેજને ગ્રાન્ટ આપે છે. આ વિરોધાભાસી ધારાધોરણના લીધે આ કોલેજોની માન્યતા રદ કરાઈ છે. 

કેસની વિગત જોઈએ તો, ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કેટલીક કોલેજોએ હાઈકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરેલી કે તેમની માન્યતા લંબાવવા માટે બીસીઆઈ સમક્ષ વર્ષ 2021માં અરજી કરેલી. જો કે, આ કોલેજોની તપાસ કરાઈ નથી. બીસીઆઈની વેબસાઈટ પર દર્શાવાયુ છે કે, આ કોલેજોને વર્ષ 2016-17 સુધી જ માન્યતા મળેલી છે. બીસીઆઈ અરજદાર કોલેજનુ ઈન્સ્પેક્શન કરીને તેની માન્યતા લંબાવે. આ ઉપરાંત, અરજદારની એ પણ માગ છે કે ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલી છે ત્યારે તેની વેબસાઈટના એડમિશન પેજ પર પણ વિદ્યાર્થીઓના હિતમાં કોલેજ સંબંધિત બાબતની આ વિગતો મૂકવામાં આવે.   

આ પણ વાંચો : મોરબીનો ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાનો મામલો: આરોપી દિનેશ દવેની જામીન અરજીમાં હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી