Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- અરજદાર સંબંધિત સત્તાધીશો સમક્ષ આ મુદ્દે રજૂઆત કરે - હાઈકોર્ટ

- ગત વિધાનસભાની ચુંટણી સમયે રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ જાહેર સભા માટે લાંબા સમય સુધી રસ્તાઓ બ્લોક કર્યા - અરજદાર

અમદાવાદ: કોઇપણ રાજકીય પક્ષના લોકોને કે કોઇપણ સંસ્થા-સંગઠનને કે ઉમેદવારોને જાહેર માર્ગો પર જાહેર સભા કે કાર્યક્રમ યોજવાની મંજૂરી નહી આપવાની માગ સાથે થયેલી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે. જો કે, હાઈકોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો છે કે આ મુદ્દે તે સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરે.

હાઇકોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે, અરજદારે અરજીમાં જે કોઇ જવાબદાર લોકો હોય તેમની સામે પગલાં લેવા દાદ માંગી છે તે સંદર્ભે અરજદાર સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ અરજી કરી શકે છે અને સત્તાવાળાઓ તેની પર કાયદાનુસાર નિર્ણય લેશે. આ સાથે હાઇકોર્ટે અરજદારને અન્ય કોઇ રાહત આપવાની ના પાડી હતી.

સુનાવણી દરમિયાન, અરજદાર રાજવીરના વકીલની રજૂઆત હતી કે, અરજદારે ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી ગાંધીનગર બેઠક પરથી નોંધાવી હતી. એ દરમ્યાન ગત 1-12-2022ના રોજ અરજદાર ન્યુ સીજી રોડ પરથી નીકળ્યા ત્યારે ત્યાંથી એસજી હાઇવેને જોડતો જાહેર માર્ગ કેટલાક લોકોએ સંપૂર્ણ રીતે બ્લોક કરી રાખ્યો હતો. આ લોકો જાહેર રસ્તા પર જ 70 ફુટનું વિશાળ સ્ટેજ પોલીસની મદદથી બાંધી રહ્યા હતા. બીજા દિવસે 02-12-2022ના રોજ ન્યુ સીજી રોડ, ચાંદખેડા ખાતે ભાજપની જાહેરસભા યોજાઇ હતી. પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓએ એસજી હાઇવેથી ન્યુ સીજી રોડ,ચાંદખેડા તરફનો 600 મીટર રોડ 40 કલાક સુધી રોકી રાખ્યો હતો. જેના કારણે આ રસ્તા પરથી રોજબરોજ પસાર થતાં 20 હજારથી વધુ લોકો અસર પામ્યા હતા. આ અંગે અરજદારે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી હતી. અરજદારે પોલીસને રોડ ખુલ્લો કરવા ફોન કર્યો હતો તો, ખુદ પોલીસે જ ઉપરથી સૂચના હોઇ કોઇના માટે પણ હાલ રસ્તો ખૂલશે નહી તેવો જવાબ આપ્યો હતો. આ સમગ્ર મામલે અરજદારે જિલ્લા કલેકટરથી લઇ સરકારના સત્તાવાળાઓ સમક્ષ પણ રજૂઆત, આવેદનપત્ર આપી ફરિયાદ કરી હતી પરંતુ આ મુદ્દે કોઇ કાર્યવાહી થઇ ન હતી. રાજકીય પક્ષો સરકારી જગ્યાઓનો ગેરકાયદે રીતે દૂરપયોગ કરે છે. જાહેર જનતાને હાલાકીમાં મૂકે છે. આ પ્રકારની મંજૂરી આપનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવે.