Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળકની ઉમંર છ વર્ષ પૂર્ણ થયેલા હોવી જોઇએ, સરકારના આ પ્રકારના નીતિ વિષયક નિર્ણયને પડકારતી થયેલી અનેક અરજીઓને હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે. હાઇકોર્ટે એક તબક્કે ટકોર કરેલી કે, વાલીઓ દ્વારા ત્રણ વર્ષથી ઓછી વયના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલવા માટેનું દબાણ એ એક રીતે ગેરકાયદે કૃત્ય ગણાય.

હાઇકોર્ટે રાજય સરકારના 31-01-2020, 04-08-2020ના જાહેરનામા કે જેના મારફતે વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળકની ઉમંર છ વર્ષ ફરજિયાત બનાવાઇ હતી, તે જાહેરનામાઓને બહાલી આપી હતી. હાઇકોર્ટે નોંધ્યુ હતું કે, રાઇટ ટુ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન રૂલ્સ-2012(આરટીઇ રૂલ્સ)ની રૂલ-8 ને આરટીઇ એકટની જોગવાઇઓ સાથે વાંચતાં જે બાળકોએ ત્રણ વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેઓને પ્રિ-સ્કૂલમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. અરજદાર વાલીઓ કે જેમના બાળકોએ 01-06-2023ના રોજ  છ વર્ષ પૂર્ણ ના કર્યા હોય તેઓ આ પ્રકારની કોઇ રાહત માંગી શકે નહી. કારણ કે, તેઓ આરટીઇ રૂલ્સ અને આરટીઇ એકટની આદેશાત્મક જોગવાઇઓના ભંગના કસૂરવાર છે. તેઓને તેમના બાળકોને વર્ષ 2020-21માં પ્રિ-સ્કૂલ શિક્ષણમાં અભ્યાસમાં દાખલ કરી દીધા હતા અને તેથી  તેઓ હવે ધોરણ-1માં પ્રવેશ માટે તૈયાર છે અને તેથી તેઓને પ્રવેશ અપાવો જોઇએ તેવી દલીલ યોગ્ય નથી.

સુનાવણી દરમિયાન, અરજદારોના વકીલની રજૂઆત હતી કે, અરજદારોના બાળકોએ અગાઉ પ્રિ-નર્સરી અને કે.જી.માં વર્ષ 2020-2021માં પ્રવેશ મેળવી લીધો હતો અને હવે તેમના છ વર્ષ પૂરા થતાં નથી, જેના કારણે તેઓને ધોરણ-1માં પ્રવેશ માટે સિનિયર કે.જી.માં ફરી અભ્યાસ કરવો પડે અને એક વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાલીઓ તરફથી આરટીઇ રૃલ્સની સબ રૂલ(1)ને પડકારી જણાવાયું હતુ કે, રાજય સરકાર ઇચ્છે તો તેના સંબંધિત રૂલ્સમાં છ મહિનાનું એક્ષ્ટેન્શન આપી શકે છે. અરજદારપક્ષ દ્વારા કટ ઓફ ડેટમાં રાહત આપવાની અને રાજયમાં આવા ત્રણ લાખ બાળકોને અસર થવાની હોવાની તેમના બાળકોને પ્રવેશ આપવાની અદાલતને વિનંતી કરાઇ હતી.

બીજી તરફ, રાજય સરકારના વકીલે આ અરજીઓનો વિરોધ કરતાં રજૂઆત કરેલી કે, ભારત સરકારે તમામ રાજયોને નિર્દેશો જારી કર્યા છે તેના આધારે ધોરણ-૧માં પ્રવેશની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. નેશનલ એજયુકેશન પોલિસી અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સરકાર દ્વારા વર્ષ 2012ના આરટીઇ રૂલ્સમાં 2020માં જરૂરી સુધારો કરાયો હતો અને ત્રણ વર્ષ સુધી આ સુધારાની અમલવારી પર રાહત અપાઇ હતી અને તા.1-6-2023થી તેનો અમલ થશે તેમ ઠરાવાયું હતું. જેથી હવે હાલના તબક્કે અરજદાર વાલીઓના કોઇપણ વાંધા કે દલીલો ટકી શકે તેમ જ નથી.