Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- બે વર્ષ વિતવા છતાં સરકારે નિમણૂંક કેમ કરી નથી, જનતાને ન્યાયથી વંચિત રાખવા સમાન આ કૃત્ય - હાઈકોર્ટ

- સરકારની હાઈકોર્ટને બાહેંધરી બે સપ્તાહમાં રેરા ઓથોરિટીમાં બે સભ્યોની નિમણૂંક કરાશે

અમદાવાદ: ગુજરાત રેરા ટ્રિબ્યુનલમાં સભ્યોની હજુ સુધી નિમણૂંક નહી કરવાના મુદ્દે હાઈકોર્ટની ઝાટકણી બાદ, સરકારે  હાઈકોર્ટમાં બાહેંધરી આપી છે કે, રેરા ઓથોરિટીમાં બે સપ્તાહમાં સભ્યોની નિમણૂંક કરી દેવાશે. જ્યારે ટ્રિબ્યુનલમાં ચેરપર્સનની નિમણૂંક અંગે આજે સાંજ સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ મુદ્દે સરકાર ગંભીર છે અને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહેલુ કે તમે વર્ષ 2021માં ટ્રિબ્યુનલમાં ચેરપર્સનની નિમણૂંક કરી દેવાની ખાતરી આપેલી અને આજે બે વર્ષ વિતવા છતાં કોઈ કાર્યવાહી કરી જ નથી. જેથી લાગે છે કે, સરકાર આ સમગ્ર મામલે ગંભીર નથી. સરકારનુ આ પ્રકારનુ વર્તન ગુજરાતની જનતાને ટ્રિબ્યુનલમાં અપીલના અધિકાર અને ન્યાયથી વંચિત રાખવાનુ છે. સરકાર કોઇને કોઇ બહાના હેઠળ અત્યાર સુધી મુદતો જ માંગી છે. સરકારે બે વર્ષ સુધી શું કર્યું, તેનો જવાબ આપો. આ મુદ્દે સરકાર પાસે કોઈ સંતોષકારક જવાબ ન હતો.

હાઈકોર્ટના કડક વલણ બાદ, આ કેસમાં ખુદ એડવોકેટ જનરલ હાઈકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. તેમણે હાઈકોર્ટને બાહેંધરી આપેલી છે કે, રેરા ઓથોરીટીમાં બાકી સભ્યોની નિમણૂંક આગામી બે સપ્તાહમાં નિમણૂંક કરાશે અને રેરા ટ્રિબ્યુનલમાં ચેરપર્સન કે જે નિવૃત્ત હાઇકોર્ટ જજ હોય છે, તેની નિમણૂંક માટે હાઇકોર્ટની સાથે સલાહ મસલત કરવી જરૂરી હોય છે, તેથી તે મુદ્દે આજ સાંજ સુધીમાં જ ચેરપર્સનની નિમણૂમંકની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ માટે સરકાર દ્વારા સાંજ સુધીમાં નામ પણ સૂચવવામાં આવશે. હાઇકોર્ટે સરકારને આ બાંહેધરી મુજબ અનુસરણ કરવા તાકીદ કરી હતી. આ કેસની વધુ સુનાવણી પાંચ સપ્ટેમ્બરે હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, રેરા ઓથોરીટીમાં ચેરપર્સન અને બે સભ્યોની નિમણૂંક નહી થઇ હોવાના મુદ્દે તેમ જ રેરા ટ્રિબ્યુનલમાં ચેરપર્સન અને ટેકનીકલ મેમ્બરની નિમણૂંક નહી થઇ હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાયેલી છે.