Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

નિર્ધારિત ફોર્મેટમાં પરિણામ રજૂ ન થતા એનઆઈડી પ્રવેશ રદ કરે છે, આ મુદ્દે કોઈ ઉકેલ શોધો - હાઈકોર્ટ

એનઆઈડી રાષ્ટ્રીય સંસ્થા, અહીં પ્રવેશ લેવો દરેક વિદ્યાર્થીનુ સ્વપ્ન, મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને પીઠબળ પુરૂ પાડો - હાઈકોર્ટ  

Ahmedabad: નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન (NID)એ નક્કી કરેલા ફોર્મેટમાં જે વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ રજૂ કરી શક્યા નથી અને તેમનો પ્રવેશ એનઆઈડીએ રદ કરેલો છે, આ મુદ્દે હાઈકોર્ટે એનઆઈડીને સુચન કર્યું છે કે આ મુદ્દાને લઈ એનઆઈડી દ્વારા કોઈ યોગ્ય ઉકેલ શોધવામાં આવે. હાઈકોર્ટનુ અવલોકન છે કે મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને એનઆઈડી પીઠબળ નહીં આપે તો તેઓ તેની તક ગુમાવશે. એનઆઈડીના વકીલે હાઈકોર્ટને બાહેંધરી આપી છે કે તેઓ આ મુદ્દે એનઆઈડી સાથે ચર્ચા કરીને કોઈ યોગ્ય ઉકેલ શોધવા પ્રયાસ કરશે. આ કેસની વધુ સુનાવણી પહેલી જુલાઈએ હાથ ધરાશે.

કેસની વિગત જોઈએ તો, ચાર વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે તેમના અંતિમ વર્ષનુ પરિણામ એનઆઈડી દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં તેઓ રજૂ ન કરી શકતા તેમનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. આ ચારેય વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે અને તેમણે પ્રથમ પ્રયાસે જ પ્રવેશ મેળવવામાં સફળતા મેળવેલી છે. આ વિદ્યાર્થીઓએ જ્યાંથી ગ્રેજ્યુએશન કરેલુ છે, તેમના દ્વારા આ વિદ્યાર્થીઓને યોગ્ય ડોક્યુમેન્ટ આપવામાં આવેલા નથી.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે એનઆઈડીના વકીલને સવાલ કરેલો કે શું તમને લાગતુ નથી કે એનઆઈડીએ આ બાબતમાં કંઈ વિચારવુ જોઈએ, જેથી મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે ?  તમે એક શૈક્ષણિક સંસ્થા છો, તમારી વિદ્યાર્થીઓ પ્રત્યે જવાબદારી છે. તમે વિદ્યાર્થીઓના હિત માટે છો. તમે આ વિદ્યાર્થીઓને મદદ થઈ શકે તેવુ કંઈક વિચારો. એનઆઈડી રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા છે. એનઆઈડીમાં પ્રવેશ મેળવવો એ દરેક વિદ્યાર્થીઓના જીવનનુ એક સ્વપ્ન હોય છે. મેરિટમાં આવતા આ વિદ્યાર્થીઓને પીઠબળ પૂરૂ પાડો તે જરૂરી છે.

હાઈકોર્ટે એનઆઈડીને સુચન કર્યું છે, પ્રક્રિયાને સરળ બનાવો. સંસ્થાએ દરેક વાક્યમાં અલ્પવિરામ અને બિંદુને જોવુ ન જોઈએ.

એનઆઈડીની પ્રવેશ બુક મુજબ એનઆઈડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ જે કોલેજ કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરે છે, તેના અધિકૃત લેટરહેડ પર સેલ્ફ બાહેંધરી અપલોડ કરવી પડશે. જો આનુ પાલન ન થાય તો તેમના પ્રવેશને અસર થાય છે. આ બાબતનુ પાલન ન થતા ચાર વિદ્યાર્થીઓના પ્રવેશ એનઆઈડીએ રદ કર્યા છે. જેના લીધે, તેમણે હાઈકોર્ટમાં અરજી કરેલી છે.