Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કોર્ટે કેસ કમિટ કર્યો, 24 ઓગષ્ટે સુનાવણી થશે

ગયા મહિને ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના મોત થયેલા

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ભારે હાહાકાર મચાવનાર ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત કેસમાં અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટે કેસને કમિટ કર્યો છે. હવે આ કેસની સુનાવણી 24 ઓગષ્ટના રોજ હાથ ધરાશે. જેમાં, પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરશે.

જો કે, આજે  સુનાવણી પહેલા પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કડક સુરક્ષા વચ્ચે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે બંને સવાલ કરેલો કે તેમને કોઈ ફરિયાદ છે, આ સમયે બંનેએ ના પાડી હતી. બીજી તરફ, આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે અને કોર્ટ 17 ઓગષ્ટે તેના પર હુકમ આપે તેવી સંભાવના છે.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદારને મોઢાના કેન્સરની બિમારી છે અને તેની સારવાર માટે મુંબઇ, અમદાવાદ સહિતના સ્થળોએ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હોય છે. જેની સારવાર ઘણા સમયથી ચાલી રહી છે. બિમારીની ગંભીરતા જોતાં તેમને સારવાર કરાવવા માટે મુંબઇ જવુ પડે તેમ હોઇ વચગાળાના જામીન આપવામાં આવે. અદાલત દ્વારા કામચલાઉ જામીન આપતી વખતે જે શરતો કહેશે તેનું પણ પાલન કરવા તૈયાર છે. આ કેસમાં એસઆઈટી દ્વારા કેસની તપાસ થઈ રહી છે. આ ઉપરાંત, પ્રજ્ઞેશ પટેલે અકસ્માત કર્યો નથી.

બીજી તરફ, સરકારે આ જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે અકસ્માત સમયે આરોપી લોકોને અપશબ્દો બોલીને ધમકાવેલા છે. આરોપીને જામીન મળશે તો સાક્ષી અને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. અરજદાર સામે ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાયેલા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દની સારવાર કરાવી શકે છે. જેથી, તેની વચગાળાના જામીન અરજી ફગાવો.  

મહત્વનુ છે કે, 20 જુલાઈએ અમદાવાના ઈસ્કોન બ્રિજ પર આરોપી તથ્ય પટેલે પૂરપાટ ઝડપે જેગુઆર કાર ચલાવીને અનેક લોકોને કચડ્યા હતા અને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ નવ નિર્દોષ લોકોના મોત થયા હતા. જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત એટલા ગંભીર પડ્યા હતા કે, રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ત્વરિતપણે તપાસના આદેશ કરેલા અને અમદાવાદ પોલીસ કમિશનરની નજર હેઠળ કેસની તપાસ થયેલી અને પોલીસે એક સપ્તાહમાં જ આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ અકસ્માત બાદ, આરોપી તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે ગયો હતો. તેના પર આરોપ છે કે તેણે હાજર લોકોને ધમકાવેલા અને અપશબ્દો કહીને લોકો વચ્ચેથી તથ્યને લઈ ગયેલો. જેથી, આ કેસમાં પોલીસે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવેલો છે.