Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અરજદારની આવક મર્યાદિત, ડિજીટલ યુગમાં મોટી રકમ સાથે રાખવાની જરૂર નથી, તેથી બંદુકના લાયસન્સની અરજી નકારાય છે – રાજકોટ કલેક્ટર

કલેક્ટર અને રાજ્યના ગૃહવિભાગના હુકમ સામે અરજદારે બંદુકનુ લાયસન્સ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરેલી

રાજકોટના ઉપલેટાના એક ગામના વ્યક્તિએ બંદુક લાયસન્સ માટે કરેલી અરજીને નકારવાના રાજકોટ કલેક્ટર અને ગૃહવિભાગના નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો છે. હાઈકોર્ટે રાજકોટ કલેક્ટરને નિર્દેશ આપ્યો છે કે અરજદારે વર્ષ 2018માં બંદુકનુ લાયસન્સ મેળવવા માટે જે અરજી કરી હતી તે અંગે ફરીથી વિચારણા કરવામાં આવે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, આર્મ્સ એક્ટની કલમ 14 હેઠળ જે કારણો આપવામાં આવેલા છે, તે કારણો સિવાય અરજી નામંજૂર કરી શકાય નહીં.

રાજકોટ કલેક્ટર અને ગૃહ વિભાગે અરજદારની આવક ઓછી હોવાનુ કારણ આપીને તેને હથિયાર પરવાનો આપવાની ના પાડી હતી.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, તે રાજકોચ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ખેડુતોને નાણા ધીરવાનુ અને ખેતીની પેદાશો ખરીદવાનુ કામ કરે છે. તેણે પૈસા લઈને એક ગામથી બીજા ગામ જવાનુ હોય છે અને તેને રાત્રે પણ મુસાફરી કરવાની હોય છે. આ સંજોગોમાં તેના જીવ પર જોખમ મંડરાયેલુ રહેતુ હોય છે, તેથી સુરક્ષાના હેતુસર સ્વબચાવ માટે તેને બંદુકના લાયસન્સ આપવામાં આવે. આ અંગે તેણે રાજકોટ જિલ્લા કલેક્ટરને અરજી કરેલી. આ પછી, જિલ્લા કલેક્ટરે જીલ્લા એસપીનો રિપોર્ટ માગેલો. જેમાં, ઉપલેટાના મામલતદાર, ભાયાવદરના પીએસઆઈ, જેતપુરના ડીવાયએસપી અને રાજકોટ ગ્રામીણના એસપીએ નકારાત્મક રિપોર્ટ આપતા તેના આધારે જિલ્લા કલેક્ટરે અરજદારની બંદૂક લાયસન્સની અરજી નકારેલી. જેની સામે અરજદારે ગૃહવિભાગમાં પણ અરજી કરેલી. જેને પણ નકારી દેવાઈ હતી. આ પાછળનુ કારણ આપવામાં આવેલુ કે, અરજદારની એવી કોઈ મોટી આવક નથી અને ભવિષ્યમાં તેનો વેપાર મોટા પાયે વિસ્તરે તેવા કોઈ સંજોગો પણ નથી. હાલના ડિજીટલના સમયમાં નાણાની લેવડદેવડ ઓનલાઈન થઈ શકે છે, આ સંજોગોમાં તેણે મોટી રોકડ રકમ સાથે રાખવાની પણ કોઈ જરૂરત જણાતી નથી. જેથી, તેને બંદુકનુ લાયસન્સ આપવાનો કોઈ અર્થ જણાતો નથી.

Tags: Gun License