Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સ્મશાન ગૃહ અને કબ્રસ્તાન કે અન્ય પ્રકારની દફનવિધિ માટે જગ્યાની ફાળવણીથી લઇ ફંડ આપવા સહિતની બાબતોમાં એએમસી દ્વારા ધાર્મિક ભેદભાવ રાખવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે થયેલી જાહેરહિતની અરજીને સુનાવણી બાદ, હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજદારને કાયદાકીય પ્રક્રિયાનો દૂરૂપયોગ કરવા બદલ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.

હાઇકોર્ટે અરજદારને ઝાટકતા કહેલુ કે, આ મુદ્દે આ બીજી જાહેરહિતની અરજી છે. જે સંપૂર્ણ ખોટી ધારણાવાળી અરજી છે. ભૂતકાળમાં આ જ મુદ્દે પીઆઇએલ દાખલ થયેલી, જે પરત ખેંચવામાં આવેલી. અરજદારને આ મુદ્દે બીજી પીઆઇએલ દાખલ કરવાની કોઇ સ્વતંત્રતા આપી ન હોવા છતાં, તેણે આ જ મુદ્દે બીજી જાહેરહિતની અરજી કરેલી છે. આ મામલે હાઈકોર્ટે જ સવાલ અરજદારને કરાયેલા તેના અંગે સંતોષકારક જવાબ પણ અરજદાર આપી શક્યા નથી. અરજદાર દ્વારા આરટીઆઇ કાયદા હેઠળ માહિતી મેળવીને નવી માહિતીના આવરણ હેઠળ પીઆઈએલમાં આ જ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. અરજદારનું આવુ કૃત્ય કાયદાકીય પ્રક્રિયાના દૂરપયોગ સિવાય બીજુ કંઇ નથી.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, એએમસી દ્વારા કબ્રસ્તાન અને અન્ય પ્રકારની દફનવિધિ માટે લઘુમતી સમુદાયને અન્યાય થઇ રહ્યો છે. તંત્ર દ્વારા માત્ર સ્મશાન ગૃહો માટે જ ફંડ કે જગ્યાની ફાળવણી કરાય છે. પરંતુ કબ્રસ્તાન કે અન્ય પ્રકારની દફનવિધિ માટે જગ્યાની કે ફંડની ફાળવણીમાં લઘુમતી સમુદાયને અન્યાય કરાઇ રહ્યો છે. પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ સત્તાવાળાઓ કોઇ એક ધર્મ, સંપ્રદાય કે સમુદાય માટે ઉપયોગમાં લઇ શકે નહી. એએમસીના સત્તાધીશો દ્વારા કબ્રસ્તાન કે અન્ય પ્રકારની દફનવિધિ માટે જગ્યાની ફાળવણીથી લઇ ફંડ પૂરું પાડવામાં ધાર્મિક ભેદભાવ થઇ રહ્યો છે.