Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- કોર્ટ મિત્રનો જવાબ, રહેણાંક સોસાયટીઓ તેના પ્રદુષિત પાણી સીધા નદીમાં ઠાલવે છે

- મેગા પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણો વધ્યા છે

- એએમસી અને જીપીસીબીને રેકર્ડ રજૂ કરવા કહો – કોર્ટ મિત્ર

- 14 એસટીપીમાંથી લેવાયેલા 50 ટકા નમુના નિષ્ફળ ગયા છે  

- રણજી બિલ્ડકોને બનાવેલા સેસપુલથી ભૂગર્ભ જળ પ્રદુષિત

ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવાના મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં કોર્ટમિત્રએ શુક્રવારે તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. સુનાવણી બાદ, હાઈકોર્ટે એએમસી અને જીપીસીબીને નિર્દેશ આપ્યો છે કે સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવનારા લોકો સામે કડક પગલા લેવામાં આવે અને તેનો જવાબ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 28 જૂને હાથ ધરાશે. હાઈકોર્ટે ટકોર કરેલી કે આ લોકો સીધા જ પ્રદુષિત પાણી ઠાલવે છે અને નદીને પ્રદુષિત કરે છે.

સુનાવણી દરમિયાન, કોર્ટ મિત્રની રજૂઆત હતી કે, શહેરમાં રહેલી ખાનગી સોસાયટીઓ તેના ગટરના પાણી સીધા જ નદીમાં ઠાલવે છે. આ ઉપરાંત, 14 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટેડ પાણીના નમુના લેવાયા છે, જેમાંથી 50 ટકા નિષ્ફળ રહ્યા છે. જીપીસીબીએ અમદાવાદના નવ પ્લાન્ટને નોટિસ પાઠવી છે. ભૂતકાળમાં જીપીસીબી અને એએમસીએ 500 જેટલા ગેરકાયદેસર જોડાણોને શોધી કાઢેલા અને 24-12-21 સુધીમાં 393 જેટલા જોડાણોને સીલ કર્યા હોવાની રજૂઆત થયેલી. જો કે, આ અંગેનો કોઈ રેકોર્ડ જીપીસીબી અને એએમસીએ રજૂ કર્યો નથી, તો તેમને આ રેકર્ડ રજૂ કરવા માટે નિર્દેશ આપો. કોર્ટમિત્રએ તેના રિપોર્ટમાં એ પણ માગ કરેલી કે ગેરકાયદેર જોડાણ કરનારાઓ સામે કાયદા મુજબ પગલા લેવામાં આવે, જવાબદાર સોસાયટીની કમિટીના સભ્યો સામે પગલા લો, આ પ્રકારના જોડાણનો કાપો અને તેને સીલ કરવામાં આવે.


મેગા પાઈપલાઈનમાં અનેક ગેરકાયદેસર જોડાણોની ફરિયાદ

મેગા પાઈપલાઈન દ્વારા જીપીસીબી અને એએમસીને સમયાંતરે જાણ કરાઈ છે કે મેગા પાઈપલાઈનમાં અનેક ગેરકાયદેસર જોડાણો થઈ રહ્યા છે. આ પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલા લેવામાં આવે. આ જોડાણોમાં ડોમેસ્ટિક જોડાણો પણ નજરે પડી રહ્યા છે.

વિંઝોલ એસટીપી તેના ધારા-ધોરણ મુજબ બન્યો નથી

કોર્ટ મિત્રએ તેના રિપોર્ટમાં એ પણ જણાવ્યુ છે કે, વિંઝોલમાં ઓગષ્ટ -2021માં રૂ. 103 કરોડના ખર્ચે એસટીપીને બનાવવામાં આવેલો. 14-11-22ના રોજ એએમસી કમિશનરે ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરેલી, તેમાં બહાર આવેલુ કે આ બાંધકામમાં ગેરરિતી આચરાઈ છે, જેથી કોન્ટ્રાક્ટરને રૂ. 5.71 કરોડનો દંડ ફટકારાયો છે. આ બાબત દર્શાવે છે કે એસટીપીને તેના ધારા-ધોરણ મુજબ બનાવવામાં આવેલો જ નથી. એસટીપીમાંથી નિયત ધારા ધોરણ મુજબ પ્રદુષિત પાણીનો આઉટ ફ્લો થતો નથી, આ મુદ્દે કોન્ટ્રાક્ટરને રૂ. 1.25 કરોડનો દંડ ફટકારેલો છે, આ ઉપરાંત અપુરતા સ્ટાફના મુદ્દે રૂ. 44.66 લાખનો દંડ પણ કરાયેલો છે.  

પિરાણા એસટીપી પરથી કર્મચારીઓ જ ગાયબ

08-06-23ના રોજ એએમસી કમિશનરે પિરાણા એસટીપીનુ આકસ્મિક ઈન્સ્પેક્શન કરેલુ, ત્યારે ખબર પડેલી કે આ એસટીપી પર તો પ્રોજેક્ટ મેનેજર, ઓપરેટર અને ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ગેરહાજર હતા. આ એસટીપીની જાળવણીની જવાબદારીર ડીએનબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને સોંપાયેલી છે. જેથી, તેની સામે વિજિલન્સ તપાસના આદેશ કરાયેલા છે.


કોર્ટમિત્રએ  હાઈકોર્ટમાં રજૂઆત કરેલી કે, સાબરમતી નદીમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પણ અનેક પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. રહેણાંક સોસાયટીઓ અને ઓદ્યોગિક એકમો દ્વારા તેના પ્રદુષિત પાણી સીધા જ ઠાલવવામાં આવે છે. શાહીબાગ પાસે આવેલી રિવરસાઈડ શાળામાં ફરી એક વાર વરસાદની સિઝનમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે અહીં ગેરકાયદેસર જોડાણો થયા છે.

રણજી બિલ્ડકોને સેસ પુલ બનાવ્યો, પ્રદુષિત પાણી સીધા જમીનમાં ઉતર્યા

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ( એસઆરએફડીસીએલ)દ્વારા રિવરફ્રન્ટ-2ના બાંધકામ માટે રણજી બિલ્ડકોઈનને પ્રોજેક્ટ આપેલો છે. આ પહેલા અહીં ગટરના પાણીનો નદીમાં જવાનો પ્રવાહ ઓછો હતો. જો કે, આ જગ્યા પર રણજી બિલ્ડકોને સેસ પુલ બનાવ્યો છે, જેના લીધે અહીં ગટરના પાણી એક સ્થળ પર ભેગા થાય છે અને તે સીધા ભૂગર્ભજળ સાથે ભળ્યા છે અને કુદરતી જળસ્ત્રોતને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે જવાબદારો સામે પગલા લેવામાં આવે.  

મેગાપાઈપલાઈનમાં ગેરકાયદેસર જોડાણ કરનાર

- કર્તવ્ય રેસિડેન્સી -નિકોલ

- લક્ષ્મીડુપ્લેક્સ રો-હાઉસ - નિકોલ

- આદેશ્વર પાર્ક – ખારીકટ કેનાલ

- પ્રગતિ પાર્ક – ખારીકટ કેનાલ

- ડાહ્યાલાલ પાર્ક  સોસાયટી – વ્યાસવાડી, નરોડા

- જય ખોડિયાર એસ્ટેટ, સીટીએમ- ખારીકટ કેનાલ

- શિવમ ટ્રેડિંગ, સીટીએમ- ખારીકટ કેનાલ

- હરિકૃપા સિરામિક, જામફળ વાડી, ખારીકટ કેનાલ

- પાંચ ગેરકાયદેસર જોડાણ- દેવહોટેલ સામે, પીપળજ, પિરાણા રોડ