Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદનાં CTM ચાર રસ્તા આગળ બરોડા એક્સપ્રેસ હાઈવે પાસે આવેલી આનંદ કોલોની, સૂરજ બંગ્લોઝ, પૂજા સ્કૂલ તેમજ ધર્મનંદન સોસાયટી સહિતનાં અઢીથી ત્રણ હજાર પરિવારો છેલ્લા કેટલાય સમયથી ત્યાં ભરાતા ટ્રાફિક, ટ્રાવેલ્સવાળા, એક હદથી વધારે ગેરકાયદેસર દબાણ, જાહેર રસ્તા પર ઉભા રહેતા લારી ગલ્લાવાળા, તેમજ લુખ્ખા તત્વોના આતંકને કારણે પરેશાન થઈ ચૂક્યા છે. જેને લઈને વારંવાર તેઓ દ્વારા રામોલ પોલીસમાં રજૂઆત કરવામાં આવી રહી છે. તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તમામ સોસાયટીના લોકો અને મહિલાઓ સાથે મળીને જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન બરોડા એક્સપ્રેસ હાઈવે મહાનગરનો મુખ્ય એન્ટ્રી એક્ઝિટ છે. સમયની સાથે આ વિસ્તારમાં વિકાસ થયો છે. તમામ પ્રકારની મેટ્રો, ઓવરબ્રિજો, ત્યાં લોકોની સુવિધા માટે જ વસાવવામાં આવેલી તમામ હાઈટેક સુવિધાઓને કારણે તેમજ બીજા શહેરને જોડતો એન્ટ્રી એક્ઝિટ હોવાને કારણે ત્યાં વધારે પ્રમાણમાં લોકો અને વાહનોની અવરજવર થતી હોય છે. તેમજ આજુબાજુમાં સરકારના બસ ડેપો હોવાને કારણે સતત ઘોંઘાટ રહેતો હોય છે. વધારે પડતા ટ્રાફિક હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા રોડ તો મોટા કરવામાં આવ્યા છે. પરંતુ લારી ગલ્લાવાળાઓ પણ જગ્યા રોકી રહ્યા છે. જેને લઈને ત્યાં રહેતા સ્થાનિકો હવે પરેશાન થઈ ચૂક્યા છે. તેઓ મહાનગરપાલિકા પાસે દબાણ હટાવી રોડ ખુલ્લા કરવાની માંગણી કરી રહ્યા છે. તેમજ ત્યાં લુખ્ખા તત્વો પણ ટોળું બનાવીને આંટા મારતા હોય છે.

NGN (New Gujarati News) સાથે સ્થાનિક મહિલાઓએ વાત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા દસ પંદર વર્ષથી આ સમસ્યાને લઈને પરેશાન છીએ અને વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ. જ્યારે રામોલ પોલીસમાં રજૂઆત કરીએ તો પોલીસ આવીને થોડોક ટાઈમ તે બધું હટાવી જાય છે અને તે માત્ર બે દિવસ પૂરતું જ રહે છે. ત્યાર બાદ પાછું જેમ હતું તેમ થઈ જાય છે. તેમણે લાગતા વળગતા તમામ તંત્ર તથા પોલીસ વિભાગ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે જેટલા પણ અહીંયા ન્યુસન્સ થઈ રહ્યા છે. તેના તમામ હપ્તા અધિકારીઓને પહોંચી રહ્યા છે. અધિકારીઓની રહેમરાહે આ બધું ચાલી રહ્યું છે. સરકારી ટ્રાવેલ્સની સુવિધાઓથી લઈને પ્રાઇવેટ ઇકો અથવા ફોર-વ્હીલર વાળા જે ત્યાં ગાડીઓ ભરે છે, તેઓ આખો દીવસ તે જગ્યા પર કકળાટ કરે છે. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારા સોસાયટીની સામેની સાઈડ જ તમામ દારૂ ,જુગાર, દેહ વ્યાપાર બંધ બારણે ચાલી રહ્યો છે. જેને અમે રોજ અમારી સોસાયટીમાં આવતા જતા જોઈએ છીએ. અમારા ઘરની દીકરીઓને લુખ્ખા તત્વો પરેશાન કરે છે સીટીઓ મારે છે અને તે સાચું છે. જે આજે NGN ન્યુઝે કેમેરામાં રેકોર્ડ પણ કર્યું છે. 

આ તમામ બાબતની હકીકત જાણ્યા બાદ અમે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ સી આર રાણા સાથે વાત કરવા પહોંચ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે તેમની રજૂઆતો સાંભળીએ છીએ અને વારંવાર પગલાં પણ લઈએ છીએ. ત્યાં લુખ્ખા તત્વોનો આતંક છે. તે અમે સ્વીકારીએ છીએ એટલે અમે આગળ પણ કાર્યવાહી કરવાના છીએ. પરંતુ ત્યાં AMCનો સહયોગ પણ અમને જોઈએ છે. કારણ કે ત્યાં વધારે પડતું ગેરકાયદેસર દબાણ છે. તેમજ ઠેર ઠેર લારીગલ્લા વાળા રસ્તાઓ રોકીને બેઠા છે અને આ વિસ્તાર દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમાન છે. 24 કલાક લોકોની અવર જવર રહેતી હોય છે. છતાં પણ અમે સ્થાનિકો સાથે મુલાકાત કરીને તેમની જે સમસ્યા છે તેને નિવારવા વધુ પડતા પ્રયત્ન કરીશું. જોકે તેમને વધુમાં જણાવ્યું હતું કે AMC દ્વારા હાલ સમગ્ર અમદાવાદમાં દબાણ હટાવો પ્રક્રિયા ચાલી રહી છે. જેથી અહીંયા પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: નંબર પ્લેટની કામગીરી બંધ તેમજ ડુપ્લિકેટ લાયસન્સ માટેની ફીમાં રૂપિયા 200નો વધારો કરાયો