Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- કેસમાં પ્રગતિ નથી તો બીજી વાર બ્લુકોર્નર નોટિસ કેમ ઈસ્યુ કરાઈ નથી - હાઈકોર્ટ

- નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા બે યુવતીના પિતાએ કરેલી હેબિયસ કોર્પસનો મામલો, હાઈકોર્ટની કેન્દ્રને ટકોર બંને ભારત લાવવાની પ્રત્યાર્પણ કરવાની કામગીરી કરો

- કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાશે

Ahmedabad: નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા થયેલા બે યુવતીઓના પિતાએ તેમને પરત લાવવાની માગ સાથે કરેલી હેબિયસ કોર્પસની અરજીમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સુચન કર્યું છે કે, વિદેશમાં રહેલી આ યુવતીઓના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરો. આ અંગે શું પગલા લેવામાં આવી રહ્યા છે? હાઈકોર્ટે તપાસ કરનાર એજન્સીઓ મુદ્દે પણ સરકારને સવાલ કરેલા. કોર્ટે પણ ટકોર કરેલી કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી તો બીજી વાર બ્લુ કોર્નર નોટિસ કેમ ઈસ્યુ કરાઈ નથી. આ ઉપરાંત, હાઈકોર્ટે યુવતીના વકીલને સવાલ કરેલો કે આ બંને યુવતીઓ જ્યાં પણ છે, ત્યાંની ભારતીય એમ્બસીમાં અધિકારીઓની હાજરીમાં વિડીયો કોન્ફરન્સ થકી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી શકશો ખરા? આ મુદ્દે તમારૂ શું કહેવુ છે? આ સમયે, યુવતીના વકીલે સ્પષ્ટપણે કહેલુ કે હાલના સંજોગોમાં આ બંને યુવતીઓ વિડીયો કોન્ફરન્સિંગથી હાઈકોર્ટ સમક્ષ હાજર થશે નહીં. યુવતીના વકીલની રજૂઆત હતી કે તેમણે એક અરજી કરેલી છે કે આ કેસ ગુજરાત હાઈકોર્ટના જ્યુરિડિક્શનમાં આવતો નથી. આ અરજી પર પહેલા નિર્ણય લેવામાં આવે. યુવતીઓના વકીલની એ પણ રજૂઆત હતી કે બંને યુવતીઓ જમૈકામાં છે અને તેણી સત્તાવાર રીતે ગઈ છે. યુવતીના પિતાના જે પણ આક્ષેપો છે, તે ખોટા છે. યુવતીઓએ તેના સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, તેના પિતાથી તેમને ખતરો છે. આ કેસની વધુ સુનાવણ આવતા સપ્તાહે હાથ ધરાશે.

કેન્દ્ર સરકારના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં ભારત અને જમૈકાની સરકાર વચ્ચેની પ્રત્યાર્પણ સંધિને રજૂ કરાયેલી છે. આ યુવતીઓના સંદર્ભે બ્લુ કોર્નર નોટિસ પણ ઈસ્યુ કરાયેલી છે. કેસના સંદર્ભે ઉચ્ચસ્તરના પોલીસ અધિકારીને તપાસના નિર્દેશ પણ અપાયેલા છે.

બીજી તરફ, અરજદાર પિતાના વકીલની રજૂઆત હતી કે આ કેસને સાડા ચાર વર્ષ વિતવા છતાં કેસમાં કોઈપણ પ્રકારની પ્રગતિ જોવા મળતી નથી. જે દેશમાં ભારતીયોને વિઝા ઓન અરાઈવલ છે, તે દેશ મારફતે આ બંને યુવતીઓને ભારત બહાર લઈ જવાઈ છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ ભારત સરકારે કરેલી કાર્યવાહીમાં જમૈકન સરકારે ગાંધીનગર સીઆઈડી-ક્રાઈમ અને સંબંધિત વિભાગને પત્ર પણ લખેલો છે અને તેમાં આશંકા દર્શાવાઈ છે કે આ બંને યુવતીઓને હ્યુમન ટ્રાફિકિંગના ભાગ રૂપે લવાઈ છે. આ કેસમાં બ્લુ કોર્નર નોટિસ ઈસ્યુ કરાઈ હોવા છતાં, કેસમાં કોઈ પ્રગતિ નથી. જેથી, આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવામાં આવે. જો કે, તપાસ અન્ય એજન્સીને સોંપવાની માગને હાઈકોર્ટે સ્વીકારી નથી.

હાઈકોર્ટ અને યુવતીઓના વકીલ વચ્ચે શાબ્દિક ગરમાગરમી

હાઈકોર્ટે યુવતીઓના વકીલને સવાલ કરેલો કે આ બંને યુવતીઓને વિડીયો કોન્ફરન્સિંગથી રજૂ થઈ શકે ખરા? સહયોગ આપો તો કેસ આગળ વધી શકે. જો કે, તેઓ ના પાડે છે. આ સમયે યુવતીના વકીલની રજૂઆત હતી કે આ કેસ હાઈકોર્ટના જ્યુરિડિક્શનમાં આવતો નથી તે મુદ્દે થયેલી અરજી પર પહેલા નિર્ણય લેવામાં આવે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ માગ કરીએ છીએ, પણ કોર્ટ તેને ઘ્યાને લેતી નથી. આ સમયે, કોર્ટે ટકોર કરેલી તમારી દરેક રજૂઆતને સાંભળીએ છીએ. તમારી આ રજૂઆત યોગ્ય નથી.