Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

એનજીએન ન્યુઝ (NGN News)ની ટીમ આવી પહોંચી છે કલોલ પાસે આવેલું એક ગામ જેનું નામ છે વડાવ સ્વામી ગામ. આ ગામ આમ તો ખૂબ જ સુખી ગામ છે. ગામમાં લોકોના ઘર પાકા છે અને આખા ગામમાં પાણી રસ્તા કે સ્ટ્રીટ લાઈટ જેવી કોઈ જ તકલીફ નથી, પરંતુ ગામમાં આવેલી શાળા એ માત્ર નામ શીશ છે કારણ કે આ શાળાને રીનોવેશન કરવાના નામે એક વર્ષ અગાઉ તોડી અને જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી જે વાતને આજે વર્ષ ઉપર થઈ ગયું, પણ તંત્ર દ્વારા શાળાને ફરીથી ઊભી કરવા માટે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. 

શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને હાલ તલાટીની ઓફિસમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે અહીં સરકારી ઓફિસમાં જે ઓરડો માત્ર ને માત્ર બે જ રૂમનો છે ત્યાં એકથી સાત ધોરણ કઈ રીતે ચલાવવામાં આવે છે તે વાત વિચારવા જેવી છે!

શાળા સંચાલકોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેવું કહે છે કે આ એક જ વર્ગખંડમાં અમે એકથી સાત ધોરણના વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ અને એક જ ક્લાસમાં એકથી પાંચ સવારે અને ધોરણ છ અને સાતના વિદ્યાર્થીઓને બપોર પછી, એટલે કે બારથી ચારમાં બીજા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. એક જ સમય પર સવારે પાંચ ધોરણના વિદ્યાર્થીઓને એક જ ક્લાસમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે અને એક સાથે ચાર શિક્ષકો એક જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે અહીં વિચારવા જેવી બાબત એ છે કે એક જ ક્લાસમાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને એક જ સમય પર ચાર શિક્ષકો કઈ રીતે ભણાવતા હશે.  

જ્યારે પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેમની પાસે સ્પષ્ટતા માંગી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે બધું મેનેજ કરીએ છીએ પરંતુ એ વાત તો સ્પષ્ટ હતી કે પ્રિન્સિપાલ ખુદ આ વાતને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ આ અંગે કોઈ જ વાત કરવા તૈયાર ન હતા. ઘણું સમજાવ્યા બાદ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ શાળા થોડા જ દિવસોમાં તૈયાર કરી દેવામાં આવશે તેવું અમને ઉપરથી જણાવવામાં આવ્યું છે, પરંતુ આ તો એવી વાત થઈ કે બાળકને ફોસલાવી અને સમજાવવામાં આવી રહ્યું છે કારણ કે જો કામ કરવું જ હોત તો તંત્ર વર્ષ સુધી રાહ શા માટે જુએ? 

આખી સ્કૂલમાં પાંચ વર્ગખંડોની મંજૂરી આપવામાં આવી છે, પંતુ પાંચ વર્ગખંડ તો દૂર એક ઓરડામાં બેસીને ભણાવી શકાય તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી આપવામાં આવી નથી. અહીં બાળકો ઘણી વખત ભણવા માટે ઝાડ નીચે કે તલાટીની ઓફિસની બહાર બેસીને ભણી રહ્યા છે. અહીં બીજી સ્પષ્ટતા એ પણ થાય કે જ્યારે અમારા દ્વારા પ્રિન્સિપાલ સાથે વાત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા બીજા લોકોને ફોન કરી અને અમને ધમકી આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ એનજીએન ન્યુઝ હંમેશા પોતાના મુદ્દાને લઈને દોડી રહ્યું છે જેના કારણે અમે અમારા મુદ્દા સાથે વળગી રહીને તમામ કવરેજ પૂરું કર્યું અને એ વાત સામે આવી કે પ્રિન્સિપાલ પણ બાળકોના ભવિષ્યને લઈને બિલકુલ પણ રસ દાખવી રહ્યા નથી, જેથી તેમને નવી શાળા બનશે કે કેમ તેમાં રસ ન હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળ્યું.