Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતીઓને ઠગ કહેવાના વિવાદાસ્પદ નિવેદનમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરૂધ્ધ મેટ્રોપોલીટન કોર્ટમાં દાખલ થયેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં મેટ્રો કોર્ટે ફરી વખત તેજસ્વી યાદવ સામે સમન્સ ઈસ્યુ કર્યા છે. આ પહેલા મેટ્રો કોર્ટે ઈસ્યુ કરેલા સમન્સ કોઈક કારણોસર તેજસ્વી યાદવને બજવણી થઈ શક્યા ન હતા.

કોર્ટે કહ્યું છે કે, આ કેસમાં બદનક્ષીની આ ખાનગી ફરિયાદ છે અને તેથી ફરિયાદીએ સમન્સની અસરકારક રીતે બજવણી થાય તે જોવાનું રહેશે. ફરિયાદી તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અગાઉ બીજી સપ્ટેમ્બરે કોર્ટે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યું હતુ.

મહત્વનુ છે કે, અમદાવાદના હરેશભાઇ પ્રાણશંકર મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી લાલુપ્રસાદ યાદવ સામે આઇપીસીની કલમ 499, 500 (બદનક્ષી)ની ફરિયાદ મેટ્રોપોલીટન કોર્ટમાં કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ એક જવાબદાર નાગરીક છે અને તેમણે થોડા સમય પહેલાં વિવિધ મીડિયા સમક્ષ ગુજરાતીઓને અનુલક્ષીને વિવાદાસ્પદ નિવેદન આપેલુ. આ કથનના કારણે ગુજરાતની પ્રજા તથા ગુજરાતના સમગ્ર સમાજની બદનામી અને માનહાનિ થઇ છે. આ કથન ગુજરાતીઓનું જાહેરમાં ઘોર અપમાન થાય તેવું બદનક્ષીકારક છે. ઠગ શબ્દનો અર્થ બદમાશ, ધુતારા, લુચ્ચા, ગુનેગાર જેવો થાય છે અને તેઓ જવાબદાર વ્યક્તિ થઇ તમામ ગુજરાતીઓની બદનક્ષી થાય તેવા વાક્યો બોલ્યા છે તેથી તેમની સામે આઇપીસીની કલમ 499, 500 મુજબ કાર્યવાહી કરવી જોઇએ.