Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: આંતકવાદી સંગઠન અલકાયદા (AL-Qaeda)ના નેટવર્ક સાથે સંકળાયેલા અને રાષ્ટ્ર વિરોધી ષડયંત્રમાં સંડોવાયેલા મોહમંદ સોજીબમીયાં, મુન્ના ખાલીદ અંસારી ઉર્ફે મુન્ના ખાન, અઝારૂલ ઇસ્લામ ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન અને અબ્દુલ લતીફ્ ઉર્ફે મોમીનુલ અંસારીની તપાસનીશ એજન્સી એનઆઈએ (NIA) દ્વારા સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. સ્પેશ્યિલ એનઆઇએ કોર્ટ (Special NIA Court) દ્વારા આ આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.  

એનઆઈએની તપાસ મુજબ અલકાયદાની આંતકવાદી પ્રવૃત્તિઓને ગુજરાતમાં ફેલાવવાના બદઇરાદાથી આરોપીઓએ બાંગ્લાદેશનુ નાગરિકત્વ ધરાવતા અને અલકાયદાના આંતકી સભ્યોને મદદ કરી હતી. અલકાયદા સાથે સંકળાયેલા આ લોકોને ગુજરાતમાં પ્રવેશ કરાવવા અને અહીં રહી શકે તે માટે અન્ય આરોપીની મદદથી બનાવટી પાન કાર્ડ સહિતના પુરાવા ઉભા કરી આપવામાં આવેલ.

એનઆઇએ દ્વારા આ તમામ આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. એનઆઈએના વકીલની રજૂઆત હતી કે, આરોપીઓ દ્વારા અલ-કાયદામાં જોડાવવા માટે ઉશ્કેરવામાં આવેલા યુવાનોના ઓળખપત્રો શોધવા જરૂરી છે. આરોપીઓએ બેંકીંગ વ્યવહારોની ચેનલનો ઉપયોગ કરીને બાંગ્લાદેશમાં રહેલા અલ-કાયદા હેન્ડલર્સને તબક્કાવાર ફંડ પણ ટ્રાન્સફર કર્યું હતું, જેની તપાસ કરવાની છે. આરોપીઓ પાસેથી  જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોના પુનઃપ્રાપ્ત ડેટામાંથી તેમના એજન્ટોના નામ, ફોન નંબર, ઈમેલ આઈડી અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરવાની છે. આરોપીઓએ પ્રતિબંધિત આતંકવાદી જૂથ અલ-કાયદાના અન્ય સભ્યોની મદદથી અમદાવાદ અથવા ભારત અથવા ભારતના કોઈપણ ભાગમાં કોઈ આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરૂ ઘડયુ હતું કે કેમ તે અંગે પણ તપાસ કરવાની જરૂર છે. તેથી આરોપીઓના રિમાન્ડ મંજૂર કરો.