Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રસ્તાઓ પર લારી-ગલ્લા અને ખાણીપીણાના સ્ટોલનો રાફડો ફાટતા ટ્રાફિક સમસ્યા વકરી- જીએલએસએ

રસ્તાઓ સાંકડા હોવાથી ટ્રાફિકની સમસ્યા કથળી

જીએલએસએ દ્વારા એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો, નારણપુરાથી હાઈકોર્ટ વાયા અંકુર સુધીનો રોડની તપાસ કરાઈ

રખડતા ઢોરના ત્રાસનો પ્રશ્ન યથાવત, જેના લીધે ટ્રાફિકની સમસ્યા વધી

Gujarat: અમદાવાદ સહિત રાજ્યભરમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોરના ત્રાસ, પાર્કિંગ અને ટ્રાફિકના મુદ્દે થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટના આદેશનો અમલ ન થવાથી થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં હાઈકોર્ટની ખંડપીઠના નિર્દેશ બાદ, ગુજરાત લિગલ સર્વિસિસ ઓથોરિટી (જીએલએસએ)એ અમદાવાદમાં જોવા મળતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પર તેનો રિપોર્ટ રજૂ કર્યો છે.

આ રિપોર્ટમાં જીએલએસએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદના રસ્તાઓ પર લોકો દ્વારા આડેધડ વાહનોને પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે, લારી-ગલ્લાઓ દ્વારા રસ્તાઓ પર ભારે દબાણ સર્જીને તેના પર એક પ્રકારનો કબજો કરવામાં આવેલો છે, ખાવા-પીવાની લારીઓનો રસ્તા પર એક પ્રકારે રાફડો ફાટ્યો છે, જેના લીધે મોટાભાગના રસ્તો પર ભારે ટ્રાફિક અને પાર્કિંગની અસુવિધાની સમસ્યા સર્જાઈ રહી છે, શહેરના રસ્તાઓ પણ જોઈએ તે રીતે પહોળા નથી, રસ્તો સાંકડા હોવાના લીધે પણ ટ્રાફિકની સમસ્યા વકરી છે.

આ ઉપરાંત, રસ્તાઓ રખડતા ઢોરનો ત્રાસ બહુ છે. ખાસ કરીને ઓફિસે જવાના અને ઓફિસેથી પરત આવવાના પીકઅપ અવર્સના સમયગાળામાં લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

જીએલએસએ દ્વારા અમદાવાદના એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો, નારણપુરાથી અંકુર અને ત્યાંથી હાઈકોર્ટ સુધીના સાત કિલોમીટરના રસ્તાઓ પર ચકાસણી કરીને ફોટા સાથેનો તેનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે. જીએલએસએ દ્રારા બનાવવામાં આવેલા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવેલુ છે કે સીજી રોડ પર ટ્રાફિકનુ ભારણ ઓછુ છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ બહુ જ ઓછી જોવા મળી છે.