Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

લોરેન્સ બિશ્નોઈ આંતકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલને હથિયોરો અને આંતકવાદી પ્રવૃત્તિ માટ ફંડ આપતો હતો

દેશમાં કરોડોનુ ડ્રગ્સ ઘુસાડવાનો મામલો – ખાસ એએનઆઈ કોર્ટ દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

લોરેન્સના વધુ પાંચ દિવસના રિમાન્ડ આપો -એનઆઈએ

રૂ. ૧૯૪ કરોડના ડ્રગ્સ કેસમાં એનઆઈએ દ્વારા એનઆઈએની ખાસ અદાલતમાં રિપોર્ટ આપીને જણાવાયુ છે કે, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને હથિયારો અને આંતકવાદી પ્રવૃત્તિ માટે ફંડીંગ આપતો હતો. સુનાવણી બાદ, એનઆઈએની ખાસ અદાલતે લોરેન્સ બિશ્નોઈના 19 સપ્ટેમ્બર સુધી એટલે કે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સુનાવણી દરમિયાન, એનઆઇએના ખાસ સરકારી વકીલની રજૂઆત હતી કે, લોરેન્સ બિશ્નોઇ એ ખતરનાક ગેંગસ્ટર છે અને તે વર્ષ ૨૦૧૫થી જેલમાં છે. જો કે એક ખૂંખાર ગુનેગાર હોઇ વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા તેની વિરૂદ્ધ સીઆરપીસીની કલમ-૨૬૮ લાગુ પાડી હોવાથી સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે તેના ૧૨મી સપ્ટેમ્બરે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાછતાં એનઆઇએ આરોપી લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી એ જ દિવસે મેળવી શકી ન હતી અને વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કલમ-૨૬૮ હટાવ્યા બાદ ૧૪મી સપ્ટેમ્બરે આરોપીની કસ્ટડી મેળવી શકાઇ હતી. તેથી આરોપીની પૂછપરછ અને તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. પૂછપરછ અને તપાસ દરમ્યાન આરોપી રીઢો અને ખૂંખાર હોઇ કેસની તપાસમાં પૂરતો સહકાર પણ આપતો નથી. આ કેસમાં સાઉથ આફ્રિકન મહિલા, લોરેન્સ બિશ્નોઇ સહિત કુલ ૧૧ આરોપીઓ છે. જેમાં સાઉથ આફ્રિકન મહિલા બોંગાની થન્ડીલે ઉર્ફએ અનિતા, પાકિસ્તાની અબ્દુલ્લા સહિતના ઘણા આરોપીઓ નાસતા ફરે છે અને તેમના વિશે માત્ર લોરેન્સ બિશ્નોઇ જ સાચી હકીકત જણાવી શકે તેમ છે. ખાસ કરીને તેઓની મોડેસ ઓપરેન્ડી વિશે બિશ્નોઇ જ માહિતી આપી શકે તેમ છે, તેથી તેના વધુ પાંચ દિવસના રિમાન્ડ જરૂરી છે. તપાસમાં બહાર આવ્યુ છે કે, લોરેન્સ બિશ્નોઇ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને હથિયારો અને આંતકવાદી પ્રવૃત્તિ માટે ફંડીંગ આપતો હતો. તેથી તે મુદ્દે પણ તપાસ કરવાની છે. આ સંજોગોમાં કેસની ગંભીરતા અને હકીકતો ધ્યાનમાં લેતાં આરોપીના પૂરતા રિમાન્ડ મળી શકયા નથી અને પૂરતો સમય તપાસ કે પૂછપરછ પણ થઇ શકી નથી, તેથી કોર્ટે આરોપી લોરેન્સ બિશ્નોઇના વધુ રિમાન્ડ મંજૂર કરે.

ડ્રગ્સ નેટવર્કના ખતરનાક કેસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી

- કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ છેલ્લા કેટલાક વર્ષોથી જેલમાં જ છે પરંતુ તેમછતાં જેલમાં બેઠા બેઠા તે પાકિસ્તાની અને અફઘાનિસ્તાનના તેના સાથી આરોપીઓ અને નેટવર્કની મદદથી દરિયાઇ રસ્તા મારફતે પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ ઘૂસાડવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યો છે.

- લોરેન્સ લવિન્દર બિશ્નોઇ પાકિસ્તાની નાગરિકો અને વોન્ટેડ આરોપીઓની મદદથી બહુ મોટી માત્રામાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ પાકિસ્તાનથી ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં ઘૂસાડવાનું ષડયંત્ર ચલાવે છે

- આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સંડોવાયેલા હોઇ એનઆઇએએ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે

- ડ્રગ્સ નેટવર્કના માધ્યમથી થતી આવકમાંથી લોરેન્સ બિશ્નોઇ આંતકવાદી પ્રવૃત્તિઓ માટે ફંડીગ કરે છે

- ગુજરાત એટીએસએ સપ્ટેમ્બર-૨૦૨૨માં જખૌના દરિયામાંથી પાકિસ્તાની ફીશીંગ બોટમાંથી રૂ. ૧૯૪.૪૭ કરોડનું ડ્રગ્સનું મોટુ કન્સાઇનમેન્ટ ઝડપી પાડયું હતું. ડ્રગ્સનો મોટો જથ્થો પંજાબની જેલમાં રહેલ લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનથી અબ્દુલ્લા પાસેથી મંગાવ્યો હતો

- ડ્રગ્સનું આ રેકેટ ઇન્ટરનેશનલ હોઇ આખરે કેસની તપાસ એનઆઇએ હસ્તગત કરી

૧૦૦થી વધુ સશસ્ત્ર જવાનોના લોખંડી જાપ્તા સાથે લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરાયો

ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને આજે ૧૦૦થી વધુ સશસ્ત્ર પોલીસ સુરક્ષા જવાનોના લોખંડી જાપ્તા વચ્ચે એનઆઇએના અધિકારીઓએ સ્પેશ્યલ એનઆઇએ કોર્ટમાં રજૂ કર્યો હતો. લોરેન્સ બિશ્નોઇ પર કોઇ હુમલો ના થઇ જાય કે, અન્ય કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે હેતુથી કડક સુરક્ષા રખાઈ હતી.

આ પણ વાંચો : સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવનારાઓ સામે કડક હાથે પગલા લો – હાઈકોર્ટ