Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તિસ્તા સામે ચાર્જફ્રેમ કરવા માટેના પુરતા પુરાવા - સરકાર

તિસ્તા સહિતના આરોપીઓએ તત્કાલીન મુખ્યપ્રધાન સહિતના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનુ કાવતરૂ રચ્યુ

Ahmedabad: ગોધરાકાંડ બાદ રાજયમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના પ્રથમ હરોળના નેતાઓને સંડોવવા અને તેમની વિરૂધ્ધ ખોટા કેસો અને પુરાવા ઉભા કરવાના કેસમાં તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં, રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે, આ કેસમાં સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડની સંડોવણી છે અને તેની વિરૂધ્ધ મજબૂત અને નક્કર પુરાવા રેકર્ડ પર ઉપલબ્ધ છે, તેની સામે ચાર્જ ફ્રેમ માટેના પૂરતા પુરાવા છે અને તેથી તેની આરોપમાંથી મુક્ત કરવાની અરજીને કોર્ટ ફગાવી દે.

આ ઉપરાંત, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના નેતાઓને ફસાવવા માટે તેમની વિરૂધ્ધ ખોટા કેસો અને પુરાવા ઉભા કરવાનું કાવતરુ તિસ્તા સેતલવાડે રચેલુ. જેના ભાગ રૂપે તેણીએ કોંગ્રેસના સ્વ. નેતા એહમદ પટેલ સાથે મીટીંગો યોજી હતી. આ બેઠક બાદ આ કાવતરાને પાર પાડવા માટે તિસ્તાને રૂ. 30 લાખની રકમ મળી હતી. ફરિયાદ પક્ષના સાહેદોના નિવેદનોમાં આ મહત્ત્વનો પુરાવો સ્પષ્ટ થયો છે. તિસ્તા સહિતના આરોપીઓએ પોતાના બદઇરાદાઓ પાર પાડવા અને આર્થિક, રાજકીય તેમ જ અન્ય લાભો ખાટવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દૂરપયોગ કરીને મોટુ કાવતરુ રચ્યું હતુ.

સરકારની એ પણ રજૂઆત હતી કે, આ કેસમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર જ આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આરોપીઓએ ઝાકીયા જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેને સાચા દસ્તાવેજ તરીકે ગણાવીને અલગ અલગ કમીશનમાં રજૂ કર્યા હતા અને રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન સહિત નિર્દોષ વ્યકિતઓને ખોટી રીતે સંડોવીને તેમની સામે પ્રોસિડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રાખીને ગુજરાતને બદનામ કરવાનું ગુનાહિત કૃત્ય આચરેલુ. આરોપીઓએ વિરોધી પાર્ટી તરફથી ગેરકાયદે નાણાં અને અન્યા લાભો મેળવવાના બદઇરાદાથી આ કાવતરુ રચેલુ. તિસ્તા સહિતના આરોપીઓનો ઈરાદો ખોટા સોગંદનામાં અને ખોટી હકીકતોના આધારે ખોટી રજૂઆતો કરીને જુદી જુદી કોર્ટ કાર્યવાહીમાં તેમની ઇચ્છા મુજબના હુકમો મેળવવાનો અને નિર્દોષ વ્યકિતઓને ફસાવવાનો હતો. આ ઉપરાંત, ગુજરાતમાં આવા કેસો અન્ય રાજયમાં ટ્રાન્સફર કરાવી ગુજરાત સરકારને બદનામ કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યુ હતુ. આરોપીઓના ભૂતપૂર્વ સહયોગીઓના નિવેદનોમાં એ સ્પષ્ટપણે બહાર આવ્યુ છે કે, આરોપીઓની આ કાવતરામાં સંડોવણી છે. આ અંગ તેમની સામે મજબુત પુરાવા પણ છે. જેથી અરજદાર સામે ચાર્જ ફ્રેમનો પ્રથમ દર્શનીય કેસ બને છે. આ સંજોગોમાં તિસ્તાની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવે.

સરકારની રજૂઆતના અન્ય મુદ્દાઓ

- ફરિયાદ પક્ષના 90 સાક્ષીઓનો પુરાવો જોતાં તિસ્તા સામે ચાર્જ ફ્રેમ કરી શકાય

- હાલના તબક્કે કેસમાં સાહેદોના પુરાવાનું મૂલ્યાંકન કરવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી

- કાયદાકીય જોગવાઇ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચાર્જશીટ સાથે જે મટિરીયલ્સ અને પુરાવા રજૂ થયા છે તેને કોર્ટ ધ્યાને લે

- લાર્જર કોન્સીપરસીના કેસમાં તિસ્તા વિરૃધ્ધ બહુ ગંભીર મજબૂત અને નક્કર પુરાવા

- તિસ્તા વિરૂધ્ધ ચાર્જ ફ્રેમ કરવા માટેના પુરતા પુરાવા છે અને પ્રથમદર્શનીય કેસ બને છે