Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદના ઓઢવ ખાતે ટીએમટી સળિયાના વેપારી સાથે 61 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાલ ખાતે આવેલ 11 લાખ 20 હજારની દુકાન અને ઓઢવ ખાતેનું 55 લાખના મકાનનો સમાવેશ થાય છે. 61 લાખ ચૂકવી દેવાયા, પરંતુ ના તો કબજો આપ્યો અને ના તો દસ્તાવેજ કરી આપ્યા માત્ર આટલું જ નહીં પોલીસ FIR થવામાં જ 10 મહિના વીતી ગયા છે. છતાં હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે.

અમદાવાદના ન્યુ રાણીપ ખાતે રહેતા તેમજ ઓઢવ ખાતે લોખંડના સળીયાનો વેપાર કરતા આલાપ શુક્લ સાથે ઓઢવ ખાતે એસ આર કોમ્યુનિકેશન નામની મોબાઇલની દુકાન ચલાવતા તેમના જ વર્ષો જુના મિત્ર સુપર શાહ દ્વારા કુલ રૂપિયા 61 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં સુપર શાહ દ્વારા મોબાઈલનો ધંધો વધારવાને લઈને ઓઢવ ખાતે આવેલું પોતાનું મકાન વેચવાની ફરિયાદી આલાપ શુક્લને વાત કરી હતી. તેમજ વસ્ત્રાલ ખાતે 11 લાખ 20 હજારની કિંમતની દુકાન પણ વેચાણથી આપવાની વાત કરી હતી. જે વાતમાં રસ દાખવતા આલાપ શુક્લએ સુપર શાહની બંને મિલકતો ખરીદવા માટે 2018માં 5 લાખ રૂપિયા બાના પેટે આપ્યા હતા. ત્યારબાદ કોરોનાનો સમય આવતા ટુકડે ટુકડે રકમ આપી હતી. તેમજ બાકીની રકમ 22/9/2021 થી લઈને 7/10/2021 સુધીમાં ચૂકવી દીધી હતી. આ મામલે આલાપ શાહ દ્વારા બંને મિલકતોના દસ્તાવેજ કરી આપવાનું અવાર-નવાર કહેતા ન કરી આપ્યા, તેમજ વિશ્વાસઘાત કર્યા હોવાનું લાગતા પોલીસ ફરિયાદ થવા પામી છે.


ફરિયાદી આલાપ શુકલએ NGN ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારી સાથે છેતરપિંડી થઈ જેની અમોએ સૌથી પહેલા પોલીસ અરજી તા. 19/10/2022 ના રોજ સાબરમતી પોલીસ સ્ટેશનમાં કરી હતી. જ્યાં મારું રહેઠાણ છે. જ્યારે મારી અરજી સાબરમતી પોલીસ સ્ટેશન બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં પહોંચી, તેમજ ત્યાંથી ફરતા-ફરતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહોંચતા તા. 7/8/2023ના રોજ ઓઢવ પોલીસ દ્વારા FIR કરવામાં આવી છે. માત્ર અરજીથી લઈને FIR કરવામાં જ 10 મહિનાનો સમય લાગ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું છેતરપિંડી કરનાર સુપર શાહ તા. 26/6/2023 ના રોજ પોલીસ પકડમાં આવ્યો હતો. મારી અરજીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસે મંજૂરી માટે મોકલવામાં આવી હતી. જેમાં સમય વધુ લાગતા પોલીસ દ્વારા બાહેંધરી લઈને આરોપીને મૂકવો પડ્યો હતો. જે બાદ આરોપી ગુજરાતની બહાર નાસતો ફરતો હતો. 

સૂત્રોના હવાલે મળતી માહિતી મુજબ આ મામલે ગૃહ મંત્રીના દખલ બાદ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ મામલે NGN ન્યુઝ સાથે ઓઢવ પોલીસના પીઆઇ જે.એસ. કંડારિયા વધુમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે ફરીયાદી આલાપ શુક્લ દ્વારા જણાવવામાં આવેલી બે મિલકતો જેમાં એક વસ્ત્રાલ ખાતે આવેલી દુકાન અને બીજી ઓઢવ ખાતે આવેલું મકાન તેમાં વસ્ત્રાલવાળી દુકાનના વેચાણ પુરાવા રખાયા છે. જે આલાપ શુક્લએ અમારી પાસે રજૂ કર્યા છે. પરંતુ ઓઢવવાળી મિલકત વેચાણ રાખવામાં આવી હતી એવા કોઇ પુરાવા ફરીયાદીએ અમારી પાસે રજૂ કર્યા નથી. જેના કારણે એફઆઈઆર થવામાં 10 મહિનાનો સમય લાગ્યો છે. જો કે તેમણે આ અમોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આ બધી દિશામાં તપાસ ચાલુ છે જેમ બને તેમ જલ્દીથી આરોપીને પકડવામાં આવશે. હાલ આરોપી અમદાવાદની બહાર છે. એટલે પોલીસ પકડથી દૂર છે.