Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મ્યાનમારમાં થતી ઘૂસણખોરી વચ્ચે હવે મિઝોરમમાં જોખમ વધી રહ્યું છે. મ્યાનમારમાં સેના સામે લોકશાહી તરફી લડત ચલાવતી ચિન ડિફેન્સ જોઈન્ટ ફોર્સની ચાઈનાલેન્ડ કાઉન્સિલ દ્વારા ભારત-મ્યાનમાર બોર્ડર પોઈન્ટના તિયાઉ-ખાવમાવી ગેટ પર કબજો કરવામાં આવ્યો છે.

સંસ્થાએ ચીનલેન્ડમાં તમારું સ્વાગત છે તેવું બોર્ડ લગાવી ચીનનો ધ્વજ ત્યાં ફરકાવ્યો છે. તેમજ રીઢાવદર ટાઉનશીપમાં સિવિલ વહીવટીતંત્રની રચના પણ કરવામાં આવી છે. તેણે મ્યાનમારના હજારો નાગરિકોમાંથી 800ને લીલી ઝંડી આપી  જેઓ મિઝોરમના આ વિસ્તારમાં સુરક્ષિત પોતાના વતન પરત ફરવા માટે પ્રવેશ્યા હતા.

19 હજાર મ્યાનમારીઓને વતન પરત ફરવાનો ઇનકાર કરવામાં આવ્યો
અગાઉ પણ, મિઝોરમના રિખાવદર અને જોખાવથાર વિસ્તારમાં ભાગી ગયેલ 19 હજાર મ્યાનમારીઓને દેશમાં પાછા ફરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ચંફઈ જિલ્લાના જોખાવથર ગામની ગ્રામ્ય પરિષદના અધ્યક્ષ લાલમુઆનપુઈયાના જણાવ્યા પ્રમાણે, ગત અઠવાડિયે મ્યાનમારના ખાવમાવી ગામમાં પાછા ફરેલ ઘણા નાગરિકો વારંવારના હવાઈ હુમલાઓથી બચવા ભારતીય સરહદ પરના તેમના ગામોમાં રાત વિતાવે છે.

ભારતીય સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે
ભારતીય અધિકારીઓએ આ અંગે કહ્યું છે કે જે પણ થયું તે મ્યાનમારની સરહદમાં થયું છે. ભારતીય ક્ષેત્રમાં સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં જ છે. સરહદ પર આસામ રાઈફલ્સની સતર્કતા પણ વધારી દેવામાં આવી છે. મિઝોરમના જોખાવથર ગામની વસ્તી ત્રણ હજારથી પણ ઓછી છે.

આ આંતરરાષ્ટ્રીય સરહદ પર  મિઝોરમથી મ્યાનમાર અથવા તો મ્યાનમારથી મિઝોરમ જવા માટે કોઈ વિઝાની જરૂર નથી. જ્યારે 16 કિમીની ત્રિજ્યામાં ટ્રાફિક ફ્રી છે.

મ્યાનમારમાં સેના અને વિદ્રોહી જૂથ વચ્ચે 12 નવેમ્બરથી લડાઈ ચાલુ છે
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સેના અને વિદ્રોહી જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ વચ્ચે 12 નવેમ્બરથી લડાઈ ચાલુ છે. 14 નવેમ્બરના રોજ મ્યાનમારની સેનાએ ભારતની સરહદે આવેલ ખાવમાવી અને રિહખાવદર ગામો પર હવાઈ હુમલા કર્યા છે.

જેના કારણે મ્યાનમારથી 5 હજારથી વધારે લોકોએ ભારતીય સરહદ પાર કરી મિઝોરમમાં આશરો લીધો હતો. આ હુમલામાં એક 51 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

વાસ્તવમાં મ્યાનમારમાં નવેમ્બર 2020માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. જેમાંથી આંગ સાન સૂ કીની પાર્ટીએ બંને ગૃહોમાં 396 બેઠકો જીતી છે. જ્યારે વિપક્ષ યુનિયન આ સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીને બંને ગૃહોમાં માત્ર 33 બેઠકો જ મળી હતી. આ પાર્ટીને સેનાનું સમર્થન મળ્યું હતું.

આ પણ વાંચો : હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલો