Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સગા પિતા દ્વારા પોતાની 11 વર્ષ, 9 મહિનાની દિકરી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવતાં પીડિતાની માતા દ્વારા તેણીના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ પિટિશન કરાઇ હતી. સુનાવણી બાદ, હાઈકોર્ટે વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલને પાંચ સપ્ટેમ્બરે જ પીડિતાની તપાસ કરી તેણીનો તબીબી રિપોર્ટ ૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા આદેશ કર્યો છે.

હાઇકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, પીડિતાને નર્મદા પોલીસ દ્વારા મેડિકલ એકઝામીનેશન માટે એસજીજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવે અને ત્યાં તેની પૂરતી કાળજી રાખવામાં આવે. પીડિતાની માતા તરફથી કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, આ કેસમાં તેમની પુત્રી સાથે ખુદ તેના પિતાએ જ દુષ્કર્મ આચરેલુ છે અને તેણીને ગર્ભ છે. અરજદારપક્ષ તરફથી આરોપી વિરૃદ્ધ પોલીસમાં પોક્સો એકટ સહિતના કાયદા હેઠળ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં પીડિતાની માનસિક, શારિરીક અને સામાજિક પીડા અને વેદનાને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એકટ- 1971ની જોગવાઇઓ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી આપવી જોઇએ. અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, તબીબી ટીમ પાંચ સપ્ટેમ્બરે જ પીડિતાની મેડિકલ તપાસ કરીને 6ઠ્ઠી સપ્ટેમ્બરે તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે.