Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમરેલી જિલ્લામાં પડેલ ભારે કમોસમી વરસાદથી ખેડૂતોને અતિ ભારે નુકસાન થયું છે. ત્યારે વધુ એક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી તારીખ 3 અને 4 ડિસેમ્બરનાં વરસાદ પડવાની શકયતા રહેલી છે. કમોસમી વરસાદની વધુ એક આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

અમરેલી જિલ્લામાં ત્રણ દિવસ પહેલા જ કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી ભારે વરસાદનાં કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ નુકસાનની તો ભરપાઇ થઇ શકે તેમ નથી. ત્યારે આ પરિસ્થિતિમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં તારીખ 29 નવેમ્બર થી 01 ડીસેમ્બર દરમિયાન વરસાદની શક્યતા નહીવત્ત રહેલ છે.તા. 2 ડીસેમ્બરના રોજ પણ વરસાદની શક્યતા નહીવત્ત રહેશે. પરંતુ તા. 3 અને 4 ડીસેમ્બર જિલ્લામાં છુટાછવાયા અને હળવા વરસાદની શક્યતા રહેલ છે.

અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન આંશિક ભેજવાળું અને વાદળછાયું રહેવાની શક્યતા રહેલ છે. જ્યારે તેનું મહત્તમ તાપમાન 28 થી 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 થી 22 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા રહેલ છે.

તેમજ ખેડૂતો અને પશુપાલકોને જણાવવામાં આવ્યું હતું કે, જમીનમાં ખાતરો આપતા પહેલા ધ્યાનમાં રાખવાની થતી અગત્યની બાબતો જેવી કે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઇએ. તેઓએ પાક માટે યોગ્ય ખાતરની પસંદગી કરવી જોઇએ. ભલામણ અનુસાર ખાતરનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જોઇએ. યોગ્ય સમયે જ તેઓએ ખાતર આપવાનો આગ્રહ રાખવો જોઇએ. કાપણી કરેલ પાકોને સીધા માર્કેટ યાર્ડમાં વેચવાને બદલે તેનું મુલ્ય વર્ધન કરી વેચવામાં આવે તો વધુ આવક મેળવી શકાય તેમ છે.

પશુઓના સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઇએ. મરઘા ફાર્મમાં મરઘાઓના રક્ષણ માટે રાત્રીના સમયે તાપમાન જાળવવા માટે બલ્બનો ઉપયોગ કરવો જોઇએ. રાત્રીના સમયે ઠંડા પવનથી રક્ષણ આપવા માટે પશુઓને ખુલ્લી જગ્યાએ બાંધવા નહી. જમીનની પરિસ્થિતિ અનુસાર શિયાળુ પાકોને હળવું પિયત આપવું જોઇએ.

 આ પણ વાંચો : ખેડૂતોની આશા ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું, ડુંગળીના પાકને થયું નુકસાન