Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- ઉમરા ફળિયા ગામની હકીકત: તંત્રના પાપે તરસતી સામાન્ય જનતા 

આપણો દેશ આઝાદ થયો તેને 75 વર્ષ ઉપર થઈ ગયા છે પરંતુ આજે પણ ઘણા ગામ એવા છે કે જે ગામને જોતા આપણને લાગે કે આપણે હજુ પણ આઝાદી પહેલાંના ભારતમાં જીવી રહ્યા છીએ. આજે પણ આ ગામમાં ના તો પાકા રસ્તા છે કે ના તો પીવા માટે પાણી છે. 

ન્યુ ગુજરાતી ન્યુઝ (NGN)ની ટીમ પહોંચી છે અંબાજી મંદિરને અડીને આવેલું એક એવું ગામ કે જે ગામ પહાડોમાં વસે છે. આ ગામમાં 100 કરતાં પણ વધારે મકાનો આવેલા છે અને આ તમામ ઘરોમાં વીજળી તો પહોંચી છે પરંતુ પીવા માટે પાણી નથી પહોંચ્યું ગામમાં અવર-જવર કરવા માટે ના તો પાકા રસ્તા છે કે ના તો પીવા માટે પાણી. ગામના લોકોએ અવર-જવર કરવા માટે જાતે જ પગદંડી સમાન રસ્તો બનાવ્યો છે અને આ લોકો આ નુકસાનગ્રસ્ત રસ્તા પર અવર-જવર કરી રહ્યા છે. આ લોકોનું જીવન વર્ષોથી આ જ રીતે ચાલતું આવ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે અમારી પાસે આ રીતે જીવવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી, કારણ કે અગાઉ ગામમાં કોઈ શાળા પણ ન હતી. તંત્રને અનેક વાર રજૂઆતો કર્યા બાદ ગયા વર્ષે જ સરકાર દ્વારા શાળા બનાવી આપવામાં આવી છે અને આ શાળામાં ગામના બાળકો જઈ રહ્યા છે. 

આ ગામમાં વર્ષોથી લોકો આ રીતે જ જીવન જીવી રહ્યા છે. આ લોકોની પાસે કામ ધંધે જવા માટે ન તો પૂરતો અભ્યાસ છે કે ન તો પૂરતી સમજ. કારણકે આ લોકો જનમ્યા ત્યારથી જ આ રીતે જીવન જીવી રહ્યા છે જેના કારણે તેમને મજૂરી કરવા સિવાય બીજો કોઈ જ કામ ધંધો આવડતો નથી. અહીંના લોકો માત્ર ને માત્ર ઘેટા-બકરા ચરાવવા અને ગાયો ભેંસોમાં રચ્યા-પચ્યા રહે છે, જેના કારણે આ લોકોને બહારી દુનિયાનું પણ પૂરતું જ્ઞાન નથી જેનો લાભ અહીંના તંત્રીઓ લઈ રહ્યા છે. આ લોકોને વોટ આપવા માટે સમજાવવામાં આવે છે, પરંતુ તેમને મળતા હક વિશે કોઈ જ જાણકારી આપવા આવતા નથી, જેના કારણે આ લોકોને તેમના હકો વિશે પણ કોઈ જ જ્ઞાન નથી. જેથી આ ગામના લોકો આજે પણ આઝાદી પહેલાનું જીવન જીવી રહ્યા છે. 

આ ગામમાં જવાનો માત્ર એક જ રસ્તો છે અને તે પણ ખૂબ જ ખરાબ હાલતમાં. ગામ લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈપણ ઈમરજન્સી હોય ત્યારે વ્યક્તિને ખાટલામાં સુવડાવી અને બહાર મેન રોડ સુધી લઈ જવાની ફરજ પડે છે, કારણ કે ગામમાં પાકા રસ્તા નથી. જેથી એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકે તેમ નથી. એમાં પણ જો ચોમાસુ હોય તો ગામની બહાર એક નદી વહી રહી છે, તે નદીમાં પાણીનું વહન વધારે હોય છે જેના કારણે ચોમાસામાં આ ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે. ગામના તમામ લોકોને જીવન જીવવા માટેનો કોઈ જ આધાર રહેતો નથી. ગામ લોકોનું કહેવું છે કે ઘણીવાર એવું પણ થાય છે કે વરસાદ વધારે આવે છે અને નદીમાં પાણીનું જોર વધારે હોય છે જેના કારણે આ લોકોને ઘર ખાલી કરી ઉપર ઊંચા પહાડોમાં જતું રહેવું પડે છે અને તે સમયે આ લોકો ચાર ચાર દિવસ સુધી વગર ખોરાકે બેસી રહે છે. 

ગામ લોકોની તંત્ર પાસે એટલી જ માંગ છે કે તેમને પીવા માટે પૂરતું પાણી અને ગામમાં અવર-જવર માટે કોઈ પાકો રસ્તો અથવા તો નદી ઉપર બ્રિજ બનાવી આપવામાં આવે જેથી કોઈ પણ હોનારતના સમયે ગામ લોકોને સ્થળાંતર કરવામાં મદદ મળી રહે. આ ગામના લોકો તંત્ર પાસે રજૂઆત કરવા માટે પણ ડરી રહ્યા હોય તેવો અનુભવ થયો. હવે આ ગામના લોકોને શું ક્યારેય તેમનો ન્યાય મળશે?