Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ટકરાશે. જેના માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે. વર્લ્ડકપમાં ભારતે સતત 10 મેચ જીતી છે. ફાઇનલ મેચમાં 100થી વધુ વીવીઆઇપી મેચ જોવા માટે આવશે. આ મહામુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવશે. પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને તેઓ પણ હાજરી આપી શકે છે. 

વડાપ્રધાનનું સાંજે 5 વાગ્યે એરપોર્ટ પર આગમન થશે અને એરપોર્ટથી સીધા રાજભવન જશે. તેમજ રાજભવનથી અનૂકુળતાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે જશે. તે પછી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને આવતીકાલે સવારે અમદાવાદથી રવાના થશે. તે ઉપરાંત મેચ જોવા માટે લક્ષ્મી મિત્તલ અમદાવાદ પહોંચ્યા છે

12 વાગ્યાથી લોકોને ધીમે-ધીમે સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની અંદર અને બહાર પણ ગોઠવવામાં આવ્યો છે. કડક બંદોબસ્ત વચ્ચેથી સ્ટેડિયમમાં જે લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે, તેઓને માત્ર પર્સ, મોબાઈલ અને ચાવી આટલી જ વસ્તુઓ લઈને પ્રવેશ આપવામાં આવશે.

મેચ જોવા માટે સેલિબ્રિટીઓ પણ અમદાવાદ પહોંચવાના શરૂ થયા છે. જેમાં 1983 ના વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અમદાવાદ પહોંચ્યા છે તેમજ અભિનેત્રી ઉર્વસી રૌતેલા પણ મેચ જોવા આવ્યા છે. 

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. તેની સાથે જ તેમને ટીમ ઈન્ડિયાને જીત માટેની શુભેચ્છા પાઠવી છે. તેમજ સચિને કહ્યું કે આજે આપણે જ ટ્રોફી ઉઠાવીશું.

રાજકીય નેતાઓથી લઈ ફિલ્મ સ્ટાર પહોંચશે

મેચ દરમિયાન આઠ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થઇ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના પરિવાર મેચમાં હાજર રહેવાની શક્યતા છે. તે સિવાય અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન, રામચરણ હાજર રહી શકે છે. વર્લ્ડકપ ફાઇનલ મેચને જોવા માટે સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, કપિલ દેવ પણ હાજર રહી શકે છે.

વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર-બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 6 હજાર જવાનોનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદના હજારો પોલીસ જવાનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, એનડીઆરએફ, આર.એ.એફ. તથા એસ.આર.પી સહિતની સુરક્ષા એજન્સીઓનીનો બંદોબસ્ત ગોઠવાયો છે.

જાણો શું છે સમગ્ર કાર્યક્રમ 

ફાઈનલમાં સેરેમનીની શરુઆત ‘સેલ્યુટ ફ્રોમ સ્કાય’ IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો હશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે. આ પર્ફોરમન્સ 12.30 વાગ્યે 10 મિનિટ માટે થશે. આ એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક દ્વારા લીડ કરવામાં આવશે. આ એર શો દ્વારા ન્યૂ ઇન્ડિયાને સલામી પણ અપાશે. સાંજના 5.30 વાગ્યે 15 મિનિટ માટેનું એક પર્ફોમન્સ યોજાશે. પહેલીવાર વર્લ્ડકપના ફાઈનલ મેચના દિવસે વર્લ્ડકપ વિનિંગ કેપ્ટનને સન્માનિત કરવામાં આવશે. નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં BCCI દ્વારા આ તમામ કપ્તાનોનું સન્માન કરવામાં આવશે.

આ મેચમાં બોલીવુડનો લોકપ્રિય ગાયક પ્રીતમ પોતાના 500 સિંગર્સ અને ડાન્સર્સની ટીમ સાથે થીમ જશ્ન પર લાઈવ પરફોર્મ કરશે. સ્ટેડીમમાં દર્શકોને અદ્દભુત અનુભવ આપવા પ્રિતમ અને તેની સાથે ગાયકોની ટીમ ફિલ્ડની આસપાસ 360 લેપ ફરતે પરફોર્મ કરશે. તે દરમિયાન દેવા દેવા, કેસરિયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ અને થીમ સોંગ ડીલ જશ્ન જશ્ન બોલે પર પરફોર્મન્સ ચાલશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. તે ઉપરાંત લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે 1200 ડ્રોનની મદદથી મનમોહક ડ્રોન શો યોજાશે. તેના પછી આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ દર્શાવાશે.

આ પણ વાંચો: લાભ પાંચમે ગુજરાતના ખેડૂતોએ કર્યા લાભ સવાયા, શિયાળુ પાક માટે વાવણીની કરવામાં આવી શરૂઆત