Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગત વર્ષે જીરૂના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા. એક મણના 12,000થી વધુ ભાવ થયા હતા. જીરૂમાં આવેલી આવી અચાનક તેજીના કારણે આ વખતે જીરૂના વાવેતરમાં મોટો ઉછાળો આવ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ જીરૂ રાજસ્થાન અને ગુજરાતમાં જ થાય છે. ગત વર્ષે આ બંને રાજ્યોમાં અંદાજિત 5 લાખ ટન જીરૂનું ઉત્પાદન થયું હતું. તેની સામે આ વર્ષે 10 લાખ ટનથી વધુ થાય તેવી શક્યતાઓ કૃષિના અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

સામાન્ય દિવસોમાં જીરૂના એક મણના ભાવ બેથી ત્રણ હજાર રહે છે. ગત વર્ષે જીરૂના ભાવમાં અચાનક જ સતત મોટો ઉછાળો આવતો રહ્યો હતો. ધીમે-ધીમે એક મણના 13,000 સુધી ભાવ પહોંચી ગયો હતો. જીરૂના આટલા વધુ ભાવ જોઈ આ વખતે ખેડૂતોએ જીરૂનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ગત વર્ષે ગુજરાતમાં બે લાખ હેકટરમાં અને રાજસ્થાનમાં ત્રણ લાખ હેકટરમાં જીરૂનું વાવેતર થયું હતું. ત્યારે આ વર્ષે ગુજરાતમાં બે લાખથી વધી ચાર લાખ અને રાજસ્થાનનું ત્રણ લાખથી વધુ છ લાખ હેકટરમાં જીરુનું વાવેતર થયું છે.

હાલના સમયમાં જીરૂને અનુકુળ વાતાવરણ મળી રહ્યું છે. આગામી સમયમાં જો વાતાવરણ અનુકુળ રહે તો જીરૂનું ઉત્પાદન 10 લાખ ટનથી વધુ થાય તેવો અંદાજ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી રહ્યો છે. આગામી ફેબ્રુઆરી માસની શરૂઆતથી નવા જીરૂની આવક શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં સારૂ વાતાવરણ મળી રહે તો 10 થી 12 મણ જીરૂનું ઉત્પાદન થાય છે. સામાન્ય વાતાવરણ રહે તો 6 થી 8 મણ અને ખરાબ વાતાવરણ રહે તો 3 થી 4 મણ જીરૂનું ઉત્પાદન થાય છે. જ્યારે રાજસ્થાનમાં ગુજરાત કરતા થોડુંક ઓછું ઉત્પાદન આવે છે.

જીરૂ એ શિયાળુ પાક છે. જીરૂને ઠંડુ અને સૂકું હવામાન અનુકુળ આવે છે. જો ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ થાય તો જીરૂના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. જ્યારે ઘઉંને ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ માફક આવે છે. ગુજરાતના ઘણા વિસ્તારમાં જીરૂને અનુકુળ વાતાવરણ મળી રહે છે તેના કારણે જીરૂનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ગત વર્ષે જીરૂમાં આવેલી તેજીના કારણે આ વખતે જીરૂનો વાવેતર વિસ્તાર ડબલથી વધુ થઈ ગયો છે. જીરૂ તૈયાર થઈ બજારમાં આવે ત્યારે કેવું ઉત્પાદન અને કેવા બજાર ભાવ રહે છે તેના પર ખેડૂતો અને જીરૂના ધંધાર્થીઓ મીટ માંડીને બેઠા છે.

આ પણ વાંચો: હવે ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવી પરેશ ગોસ્વામીએ કરી આગાહી