Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાઝામાં ઇઝરાયેલ ફરી પાછું ત્રાટક્તા તેણે ધડબડાટી બોલાવી છે. ઇઝરાયેલે શનિવારે કરેલા જબરદસ્ત હવાઈ હુમલામાં 50થી વધુના મોત થયા છે અને 60થી વધુને ઇજા થઈ છે. આ સાથે ગાઝામાં સાતમી ઓક્ટોબરના હુમલા પછી વળતી કાર્યવાહીમાં મરનારાનો આંકડો 19000ને વટાવી ચૂક્યો છે. હજી યુદ્ધ બંધ થયું નથી, મૃત્યુ પામેલાઓમાં 70% મહિલાઓ અને બાળકો છે. ઇઝરાયેલના હમાસ સાથેના યુદ્ધમા અત્યાર સુધીમાં 50 હજારથી વધુ ઇજા પામ્યા છે અને કુલ 23 લાખમાંથી 20 લાખની વસ્તી વિસ્થાપિત થઈ ચૂકી છે.

યુદ્ધમાં બે મહિના થયા છે અને તેના પગલે ગાઝાપટ્ટીની 85% વસ્તી વિસ્થાપિત થઈ છે. તેમને રહેવા માટે ઘર પણ નથી. ગાઝા મહદ અંશે આખુ સાફ થઈ ચૂક્યું છે અને 60% વસ્તી પાસે રહેવા માટે ઘર નથી અને તેણે સરહદ નજીક આવેલા શરણાર્થી કેમ્પોમાં આશરો લેવાની ફરજ પડી છે. પેલેસ્ટાઇની મીડિયા મુજબ ઓલ્ડ ગાઝા સ્ટ્રીટના જબાલિયા સ્થિત બે ઘરો પર હુમલા થયા હતા. 

ઇઝરાયેલ તરફથી થતાં હવાઈ હુમલાએ ગાઝાના કેટલાય શહેરોને ખંડેરમાં બદલી નાખ્યું છે. દરેક દિવસ વીતવાની સાથે ઇઝરાયેલનું લશ્કર ગાઝાના વધુને વધુ હિસ્સા પર અંકુશ જમાવી રહ્યું છે. આ કડીમાં ઇઝરાયેલે ગાઝા પરનું આક્રમણ વધારે તીવ્ર બનાવ્યું છે. સેન્ટ્રલ ગાઝામાં એક શરણાર્થી શિબિરમાં થયેલા હુમલામાં લગભગ 50 લોકોના જીવ ગયા હતા અને 60થી વધુ લોકો ઇજા પામ્યા છે. જેમાં 14 મહિલાઓ અને 4 બાળકો સામેલ હતા. રફાહ શહેરમાં કરેલા હવાઈ હુમલામાં લગભગ આઠ લોકોના મોત થયા હતા. 

ગાઝામાં હમાસને ખતમ કરવામાં લાગેલા ઇઝરાયેલે બંધક બનાવવામાં આવેલા પોતાના જ ત્રણ નાગરિકોને ઠાર કર્યા હતા. ઇઝરાયેલે જણાવ્યું હતું કે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ત્રણ નાગરિકો ખોટી ઓળખના કારણે માર્યા હતા. ત્રણેયને ગાઝાના ઉત્તરમાં શેજૈયામાં હાજર સૈનિકોએ ગોળી મારી દીધી હતી. ઇઝરાયેલના લશ્કરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરતા ઇઝરાયેલના લશ્કરના પ્રવક્તાએ જણાવ્યું કે શિજાઇયામાં લડાઈ દરમિયાન આઇડીએફે ભૂલથી ત્રણ ઇઝરાયેલી બંધકોને જોખમકારક તત્વ તરીકે ઓળખ્યા અને પછી તેને ગોળી મારી ઠાર કર્યા. તે પછી તપાસ દરમિયાન મૃતકોની ઓળખને લઈને શંકા જતા તેને ચકાસણી માટે ઇઝરાયેલ મોકલાયા હતા. તે પછી ખબર પડી કે મૃતક ઇઝરાયેલના નાગરિક હતા. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ આ ઘટનાની ટીકા કરી છે. 

તે ઉપરાંત અન્ય એક આશાસ્પદ વાત એ છે કે ઇઝરાયેલ અને કતાર વાતચીત માટે ફરીથી તૈયાર થઈ ગયા છે. ઇઝરાયેલ અને કતરના અધિકારી નોર્વેમાં મળવાના છે. આ મુલાકાતનો હેતુ યુદ્ધવિરામના બદલામાં ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને છોડવાનો અને ઇઝરાયેલની જેલોમાં બંધ પેલેસ્ટાઇની કેદીઓને છોડવા અંગે વાતચીત ફરીથી શરુ કરવાનો છે. 

અમેરિકાએ પણ ઇઝરાયેલને આગ્રહ કર્યો છે કે તે યુદ્ધમાં નાગરિકોની ખુવારીના વધતા આંકડા પર અંકુશ આણે અને ફક્ત હમાસના નેતાઓને જ ટાર્ગેટ બનાવે. અમેરિકન પ્રમુખ બાઇડેન  નાગરિક જાનહાનિને લઇને ઇઝરાયેલ સામે જાહેરમાં અસંતોષ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. જો કે અમેરિકાએ ઇઝરાયેલને લશ્કરી અને રાજકીય સમર્થન આપવાનું જારી રાખ્યું છે. 

તે ઉપરાંત ગાઝામાં લાંબા સમયથી ચાલતા યુદ્ધના લીધે ઇન્ટરનેટ તો છે જ નહી અને સેલફોન જેવા ઉપકરણો કોઈ કામના રહ્યા નથી કેમકે વીજળી નથી. વીજમોરચે અને ઇન્ટરનેટ કનેકશનના મોરચે રીતસરની બગડતી જતી સ્થિતિની સાથે ગાઝાની વસ્તી રીતસરના ભૂખમરામાં પણ પરિવર્તીત પામી રહી છે.

ઇઝરાયેલ સામે લડવા હમાસનો નવો ડોલ બોમ્બ !

ગાઝામાં ઇઝરાયેલે હમાસને ખતમ કરવા માટે તેની પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે. ઇઝરાયેલના આક્રમક પ્રહાર સામે હમાસ તેને નુકસાન પહોંચાડવા નીતનવી વ્યૂહરચના અપનાવી રહ્યું છે. હમાસના આતંકવાદીઓએ ઢીંગલીઓની અંદર બોમ્બ મૂક્યા છે અને તેને સ્પીકર ફિટ કરી દીધા છે. તેમનો પ્રયત્ન હતો કે ઇઝરાયેલના બંધકોને શોધી રહેલા આઇડીએફના જવાનો આ ઢીંગલીમાંથી આવતા અવાજના બાળકના રોવાનો અવાજ સમજીને તેની નજીક જશે અને તેની જોડે જતાં તે ફાટશે. તે રીતે તે બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામશે. પરંતુ ઇઝરાયેલ ઇન્ટેલિજન્સ યુનિટને આ કાવતરાની ખબર પડતા તેણે લશ્કરના યુનિટને સાબદુ કરી લીધું. તેના પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ આ બોમ્બને નિષ્ક્રીય બનાવવા લાગી છે. ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે આ ઢીંગલી અને બાળકોનું બેકપેક જાણીબૂઝીને સુરંગની નજીક મૂકાયું હતું. જે એક મોટા ટનલ નેટવર્ક સાથે પણ જોડાયેલી હતી. ઇઝરાયેલના લશ્કરે આ વિસ્તારની તલસ્પર્શી ચકાસણી કરી અને તે ઉપરાંત ઇઝરાયેલી લશ્કરી ગાઝાની સ્કૂલોમાં છપાયેલા આતંકવાદીઓની ધરપકડ કરી. તે સિવાય હમાસના આતંકવાદીઓએ ટેડી બીયરની અંદર સ્નાઇપર રાઇફલ અને બોમ્બ છૂપાવ્યા હતા. આ ટેડી બીયરને લઈને આતંકવાદી લોકોની વચ્ચે રહ્યા હતા. તે ઉપરાંત ગાઝાની કેટલીય સ્કૂલો અને મસ્જિદોની અંદરથી આતંકવાદીઓનું ટનલ નેટવર્ક મળ્યું છે.