Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને કમોસમી માવઠાએ વિનાશ સર્જાયો છે. ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા, કંસારી સાથે આજુબાજુના 20થી વધુ ગામડાઓમાં વાવેતર કરવામાં આવેલ એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું. ખેડૂતોના હાથમાં આવેલ કોળીયો છીનવાયો છે, ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે.

સમગ્ર બનાસકાંઠા જિલ્લો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ જિલ્લો માનવામાં આવે છે. આ જિલ્લાના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા ટાઈમથી જમીનના તળ ઊંડા જવાના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી.  બીજી તરફ ખેડૂતો વ્યાજે પૈસા લાવી રાત દિવસ મહેનત કરીને પોતાનો પાક તૈયાર કરતા હોય છે, કુદરતી પ્રકોપના કારણે તેમને મોટું નુકસાન થતું હોય છે. તાજેતરમાં જ હવામાન વિભાગની આગાહીને પગલે ભારે પવન અને બરફના કરા સાથે પડેલ વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાપક નુકસાન થયું છે.

3 મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું   

સમગ્ર ડીસા પંથકમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જતાં રહ્યા છે, સીપુ નહેરમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોએ ઉત્સાહથી મોટા પાયે સૌથી વધુ એરંડાનું વાવેતર કર્યું. છેલ્લા 3 મહિનાથી દિવસ રાત મજૂરી કરી ખેડૂતોએ એરંડાનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર થયેલ વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યું છે. મોટાભાગનો પાક જમીનદોસ્ત થયો છે અને ખેડૂતોનો હાથમાં આવેલ કોળીયો છીનવાયો છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કુદરતી પ્રકોપથી વારંવાર મોટું નુકસાન થતું હોય છે, આ વર્ષે પણ ખેડૂતોએ વ્યાજે પૈસા લીધા અને મોંઘા ભાવના બિયારણ લાવી એરંડા, રાયડો, રાજગરા જેવા પાકનું વાવેતર કર્યું , પણ ભારે પવન અને કમોસમી વરસાદના કારણે ફરી નુકસાન કર્યું છે. જેથી હવે સરકાર ખેડૂતોની વહારે આવ્યા છે અને ખેડૂતોને નુકસાનીનું વળતર આપે તેવી હવે ખેડૂતોની માંગ છે.

લાખો રૂપિયાનું થયું નુકશાન

આ અંગે સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીના તળ ખૂબ જ ઊંડા થયા છે, જેથી વર્ષમાં ત્રણ ચાર વખત ખેતી લઈ શકાતી નથી.  આ વખતે સીપુ ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ ઉત્સાહથી એરંડા સાથે રાયડો, રાજગરો જેવા અલગ પાકનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ મહિના મહેનત કરી ખેડૂતોએ કાળી મજૂરી કરી હતી અને એરંડાનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ ભારે પવન, બરફના કરાની સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતોનું આ સપનું પણ રોળાઈ ગયું અને આ પંથકમાં ખેડૂતોને લાખો રૂપિયાનું ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો : હાઇવે પર રૉન્ગ સાઇડ આવતી એક્ટિવાને સ્કૉર્પિયોએ મારી ટક્કર, એક્ટિવા ચાલકનું થયું મોત, CCTVમાં આવ્યું સામે