Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મેટ્રો કોર્ટે 26 જુલાઈએ કેજરીવાલ અને સંજયસિંહને હાજર રહેવા માટે હુકમ કરેલો

છેલ્લા બે માસથી બંને નેતાઓ કોઈને કોઈ કારણસર કોર્ટ સમક્ષ હાજર રહ્યા નથી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાય તેવા આક્ષેપ અને બદનક્ષી ભર્યા નિવેદનના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સામે થયેલ ક્રિમિનલ ડિફેમેશનના કેસમાં મેટ્રો કોર્ટે હાજર રહેવા માટે કરેલા હુકમની સામે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી છે. સુનાવણી બાદ, સેશન્સ કોર્ટે ફરિયાદી પક્ષને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી પાંચ ઓગષ્ટે હાથ ધરાશે.  

કેસની વિગત જોઈએ તો, મેટ્રો કોર્ટે આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ 26 જુલાઈએ હાજર રહેવા માટે હુકમ કરેલો. આ પહેલા સાત જૂને મેટ્રો કોર્ટે બંને નેતાઓને 13 જુલાઈના રોજ હાજર રહેવા માટે હુકમ કરેલો. જો કે, તેમના વકીલ દ્વારા અરજી કરીને કોર્ટને વિનંતી  કરાઈ હતી કે દિલ્હીમાં પૂરની સ્થિતિ હોવાથી તેઓ કોર્ટ સમક્ષ હાજર રહી શક્યા નથી. જેથી, આજના દિવસે તેમને હાજર રહેવામાંથી મુક્તિ આપો. બંનેના વકીલની રજૂઆત હતી કે, દિલ્હી તથા આસપાના રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે અને છેલ્લા 41 વર્ષમાં સૌથી વધુ ભયાનક પૂર યમુના નદીમાં જોવા મળ્યું છે, જેના લીધે દિલ્હી અને આસપાસના રાજ્યોના વિસ્તારમાં પૂરના લીધે મોટા ભાગના વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. આ સંજોગોમાં દિલ્હીના મુખ્યપ્રધાન હોવાના નાતે અરવિંદ કેજરીવાલ અને તેમના પક્ષના તમામ નેતાઓ લોકો માટેના રાહત કામમાં સંકળાયેલા છે. આ સ્થિતિના લીધે તેઓ કોર્ટ સમક્ષ હાજર રહી શક્યા નથી.