Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાય તેવા આક્ષેપ અને બદનક્ષી ભર્યા નિવેદનના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સામે થયેલી ક્રિમિનલ ડિફેમેશનના કેસમાં મેટ્રો કોર્ટે હુકમ કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ 13 ઓગષ્ટે હાજર રહે. આ પહેલા બંને હાજર ન રહેતા મેટ્રો કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, આ બંને નેતાઓ ગેરહાજર રહેતા તેમની સામે વોરંટ ઈસ્યુ કરવા અરજી કરાઈ હતી. જો કે, બંનેના વકીલોએ બાહેંધરી આપેલી કે, તેઓ આગામી મુદતે હાજર રહેશે.

ફરિયાદી પક્ષની રજૂઆત હતી કે, કેજરીવાલ અને સંજયસિંહ દર વખતે કોઇક ને કોઇક બહાને અદાલત સમક્ષ હાજર રહેવાનું ટાળે છે અને કોર્ટના સમન્સનો અનાદર કરી રહ્યા છે. કેજરીવાલ તરફથી સેશન્સ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોર્ટે આ અદાલતની કાર્યવાહી કે હુકમ સામે કોઇ સ્ટે આપ્યો નથી. વળી, સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, એમપી-એમએલએ વિરૃધ્ધના કેસો ઝડપથી ચલાવવાના છે તે નિર્દેશનો પણ પ્રતિવાદીઓના કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં સહકાર નહી આપવાના વલણના કારણે ભંગ થઇ રહ્યો છે. આ સંજોગોમાં કોર્ટે બંને નેતાઓ વિરૃદ્ધ વોરંટ જારી કરો. બંને નેતાઓ દર મુદતે નવા કારણો ઉભા કરી મુદત માંગી લે છે.

ભૂતકાળમાં કેજરીવાલ અને સંજયસિંહના વકીલે અરજી કરીને કોર્ટને વિનંતી  કરાઈ હતી કે દિલ્હીમાં પૂરની સ્થિતિ હોવાથી તેઓ કોર્ટ સમક્ષ હાજર રહી શક્યા નથી. જેથી, આજના દિવસે તેમને હાજર રહેવામાંથી મુક્તિ આપો. બંનેના વકીલની રજૂઆત હતી કે, દિલ્હી તથા આસપાના રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે અને છેલ્લા 41 વર્ષમાં સૌથી વધુ ભયાનક પૂર યમુના નદીમાં જોવા મળ્યું છે, જેના લીધે દિલ્હી અને આસપાસના રાજ્યોના વિસ્તારમાં પૂરના લીધે મોટા ભાગના વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. આ સંજોગોમાં દિલ્હીના મુખ્યપ્રધાન હોવાના નાતે અરવિંદ કેજરીવાલ અને તેમના પક્ષના તમામ નેતાઓ લોકો માટેના રાહત કામમાં સંકળાયેલા છે. આ સ્થિતિના લીધે તેઓ કોર્ટ સમક્ષ હાજર રહી શક્યા નથી.