Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બંને નેતાઓએ હાજર રહેવા માટે બાહેંધરી આપી છે, તો તેમને કોર્ટમાં હાજર થવુ જોઈએ - હાઈકોર્ટ

મેટ્રો કોર્ટના હાજર થવાના હુકમને સેશન્સ કોર્ટે યથાવત રાખતા બંને નેતાઓએ હાઈકોર્ટમાં અરજી કરેલી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવસટી વિશે બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહે મેટ્રો કોર્ટમાં ચાલી રહેલી કેસની પ્રોસીંડીંગ્સ સ્ટે કરવા કરેલી વચગાળાની માગને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે બંને નેતાઓને માર્મિક ટકોર કરી હતી કે, તમારે કોર્ટ સમક્ષ હાજર થવુ જોઇએ. તમે એક વખત નિયત તારીખે હાજર થવાની બાંહેધરી આપી હોય તો તમારે અદાલત સમક્ષ હાજર થવુ પડે અને અદાલતી ન્યાયિક પ્રક્રિયામાં સહકાર આપવો જોઇએ.

મેટ્રો કોર્ટના સમન્સને સ્ટે કરવાની વચગાળાની માંગ કરતી અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના હુકમ સામે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે બંનેને હાલના તબક્કે કોઇપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. વધુમાં, હાઇકોર્ટે ગુજરાત યુનિવર્સિટીને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે.

કેસની વિગત જોઈએ તો, ગુજરાત યુનિવસટીના કુલસચિવ ડો.પિયુષ પટેલે આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૂધ્ધ મેટ્રો કોર્ટમાં કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં મેટ્રો કોર્ટે બંને નેતાઓને હાજર રહેવા માટે સમન્સ પાઠવેલા. જો કે, છેલ્લા ત્રણેક મહિનાથી આ બને નેતાઓ કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા.

અરવિંદ કેજરીવાલના વકીલે ૧૩મી જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માટે અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે, દિલ્હીમાં પૂરની પરિસ્થિતિ હોવાથી તેઓ હાજર રહી શકયા નથી અને તેથી તેમને 26 જુલાઈ સુધી હાજર રહેવામાંથી મુક્તિ આપો. જે માગને મેટ્રો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ પછી, બંને નેતાઓએ કોર્ટમાં હાજર રહેવાના હુકમ સામે સેશન્સ કોર્ટમાં અરજી કરેલી. જો કે, તે અરજીને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. જેની સામે બંને નેતાઓએ હાઈકોર્ટમાં અરજી કરેલી. જેમાં હાઈકોર્ટે બંને નેતાઓને રાહત આપવાની વાતને નકારી દીધી હતી. બંને નેતાના વકીલની રજૂઆત હતી કે, બંને નેતાઓ બંધારણીય હોદ્દા પર રહેલા છે અને કેસના પ્રાથમિક તબક્કે તેમની પર્સનલ હાજરીની કોઇ જરૃરિયાત નથી. અરજદારો તેમના વકીલ મારફતે અદાલતી ન્યાયિક પ્રક્રિયામાં હાજર રહી શકે છે. સેશન્સ કોર્ટે તેમની રિવીઝન અરજીમાં ખોટી રીતે સ્ટે આપ્યો નથી, તેથી તેમને હાઇકોર્ટમાં આ રિટ કરવાની ફરજ પડી છે. બીજી તરફ, સરકારની રજૂઆથ હતી કે, બંને નેતાઓ એક યા બીજા કારણોસર અદાલતની ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવાનું ટાળી રહ્યા છે અને એક યા બીજી અરજી કરી અદાલતનો સમય બગાડી રહ્યા છે. અરજદારોએ મેટ્રો કોર્ટ સમક્ષ નિયત તારીખે હાજર રહેવાની ખાતરી આપી હતી અને કોર્ટના હુકમ અને તાકીદ છતાં તેઓ હાજર રહ્યા નથી. જે અદાલતી તિરસ્કાર સમાન કહી શકાય.

હાઇકોર્ટની સુનાવણી બાદ મેટ્રો કોર્ટમાં પ્લી રેકોર્ડિંગ પૂર્ણ થઇ

અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી પર હાઇકોર્ટે બંનેને કોઈ રાહત ન આપતા અને પછી સુનાવણી પૂરી થતા, મેટ્રો કોર્ટ સમક્ષ બદનક્ષી કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં આપના બંને નેતાઓના વકીલ મારફતે પ્લી રેકોર્ડિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. બંને નેતાઓ તરફથી અપાયેલી મુકિત અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને કેસની વધુ સુનાવણી તા.૩૧મી ઓગસ્ટે હાથ ધરાશે. યુનિવર્સિટી તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી કે, બંને નેતાઓ સામે વોરંટ કાઢવામાં આવે. જો કે, કોર્ટે કોઇ વોરંટ કાઢયું ન હતું.