Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAPના નેતા સંજયસિંહે મેટ્રોપોલીટન કોર્ટની પ્રોસીડીંગ્સને પડકારતી રિવીઝન અરજીમાં તાજેતરમાં જ હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે.દવેએ આપના નેતાઓની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પડતર રિવીઝન અરજી અન્ય જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવા હુકમ કર્યો હતો. હવે આ બંને નેતાઓની અરજીની સુનાવણી પાંચ સપ્ટેમ્બરે નવા જજ જે.એમ.બ્રહ્મભટ્ટની કોર્ટમાં નીકળશે.

હાઈકોર્ટે આપના નેતાઓની નીચલી કોર્ટમાં પડતર રિવીઝન અરજી અન્ય કોર્ટમાં એટલા માટે ટ્રાન્સફર કરી હતી કે, આ મેટર જે જજની કોર્ટમાં પડતર છે, તે રજા પર છે અને તેમણે આ મેટરની સુનાવણી તા.16મી સપ્ટેમ્બરે રાખી છે, હાઇકોર્ટે જે જજની કોર્ટમાં ટ્રાન્સફર કરાય તે જજને બંને નેતાઓની રિવીઝન અરજી પરત્વે દસ દિવસમાં નિર્ણય કરવા પણ હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં આ નેતાઓની રિવીઝન અરજી પર હવે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના અન્ય જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પાંચ સપ્ટેમ્બરે તેમની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે.

આ કેસની વિગત એવી છે કે, ગુજરાત યુનિવસટીના કુલસચિવ ડો.પિયુષ પટેલે આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૂધ્ધ અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરૂધ્ધ સમન્સ જારી કર્યા હતા, જેને પડકારતી આ રિવીઝન અરજી છે.