Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરા શહેર અને તેની આસપાસ આવેલી સરકારી જમીન પર થતાં દબાણો અટકાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 214 જેટલા સર્વે નંબરમાં આવેલી સરકારી ખરાબાની જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત આ તમામ સરકારી જમીનોની સ્થળ સ્થિતિ અંગેના નકશા સાથે આલ્બમ બનાવવામાં આવ્યા છે. 

સરકારી જમીનોનું પદ્ધતિસરનું દસ્તાવેજીકરણ કરવા માટે કલેક્ટરે સૂચના આપી હતી. જેને પગલે શહેર અને જિલ્લાના પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોને સરકારી  જમીનોના સર્વે કરવા તાકિદ કરાઈ હતી. મામલતદારો અને મહેસૂલી કર્મચારીઓ દ્વારા સરકારી ખરાબાની જમીન અંગે સર્વે શરૃ કરવામાં આવ્યો હતો. 

આ સર્વેની છેલ્લી સ્થિતિ મુજબ શહેરની ચારેય મામલતદાર કચેરી દ્વારા 214 જેટલા સર્વે નંબરના આલ્બમ બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ 391 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. મામલતદાર (ઉત્તર)માં 26 સર્વે નંબરમાં 95 હેક્ટર, દક્ષિણમાં 32 સર્વે નંબરની 81  હેક્ટર, પૂર્વમાં 42 સર્વે નંબરની 68 હેક્ટર તથા (પશ્ચિમ) મામલતદાર દ્વારા 114 સર્વે નંબરની 147 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. સૌથી વધુ (પશ્ચિમ) મામલતદાર અને તેમની ટીમ દ્વારા 114 જેટલા જુદા જુદા સર્વે નંબરનો સર્વે કરવામાં આવ્યો છે. 

તમામ સર્વે નંબરનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. તેમાં સ્થળ સ્થિતિ, નકશા સાથેના આલ્બમ તૈયાર કરવામાં આવ્યા છે. આ આલ્બમના આધારે રાજ્ય સરકારની કિંમતી જમીનની માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે, તથા ભવિષ્યમાં સંદર્ભ માટે કામ આવશે. સરકારી જમીન ઉપર ફેન્સિંગ કરવાની કામગીરી પણ આયોજન હેઠળ છે. સર્વે ઉપર સરકારી જમીનો ઉપર થયેલા દબાણો પણ તબ્ક્કાવાર દૂર કરવામાં આવી છે, અને 165 કરોડની જમીન ખાલી કરાવી છે. 

આ પણ વાંચો: વડોદરામાં વૃંદાવન ચાર રસ્તાથી હાઇવે સુધીના રસ્તાની બંને બાજુથી કાચા પાકા દબાણોની સફાયો