Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- છૂટાછેડા બાદ ફરિયાદી અને અરજદાર વચ્ચે પતિ-પત્નીનો દરજ્જો રહેતો નથી - હાઈકોર્ટ

- ભૂતપૂર્વ પત્નીએ કરેલી ફરિયાદને રદ કરવા પતિ અને સગાઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાયેલી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, કોર્ટ દ્વારા છુટાછેડાના થઈ ગયેલા હુકમનામા બાદ તેમ જ છુટાછેડા પછીના બનાવને ભૂતપૂર્વ પત્ની તેના ભૂતપૂર્વ પતિ કે સાસરિયાઓ સામે દહેજ મુદ્દે ઉત્પીડન કાયદાની કલમ-498 કે 494 હેઠળ ફરિયાદ કરી શકે નહીં. એક વખત સક્ષમ કોર્ટ દ્વારા છૂટાછેડાનું હુકમનામુ(ડિક્રી) થઇ જાય પછી પતિ-પત્ની વચ્ચેનો વૈવાહિક દરજ્જો રદ થઇ જાય છે અને તેથી કલમ-૪૯૮ લાગુ પાડવા માટેની પતિ અને તેના સગાવ્હાલા હોવા જોઇએ તે જરૂરી સ્થિતિ પણ ટકતી નથી. આ આદેશ સાથે હાઈકોર્ટે અરજદાર પૂર્વ પતિ સામેની ફરિયાદ રદ ઠેરવી છે.

હાઈકોર્ટનુ એ પણ અવલોકન છે કે, આ કેસમાં ભૂતપૂર્વ પત્નીએ તેના ભૂતપૂર્વ પતિ અને તેના સગા વિરૂદ્ધ દહેજ પ્રતિબંધક ધારાની કલમ-498 એ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જો કે, સક્ષમ કોર્ટના હુકમનામા પછી ફરિયાદી કે અરજદાર વચ્ચેનો પતિ-પત્ની તરીકેનો વૈવાહિક દરજ્જો કે સંબંધ રદ થઇ ગયો છે. જેથી, અરજદાર અને તેના સગાઓ હવે ફરિયાદીના પતિ કે સાસરિયાઓ તરીકે રહેતા નથી. આ ઉપરાંત, ફરિયાદમાં ફરિયાદી દ્વારા ત્રાસ અને ક્રૂરતાના ચોક્કસ બનાવની સ્પષ્ટતા કરી નથી. એફઆઇઆર જોતાં લાગે છે કે, ફરિયાદીએ અરજદાર અને તેના  સગાઓ વિરૂદ્ધ જનરલ આક્ષેપ કર્યા છે કે, જયારે લગ્નજીવન ચાલુ હતુ, ત્યારે તેમણે તેણીને પ્રતાડિત કરી છે. જો કે, 25-02-2014ના રોજ છૂટાછેડાનું હુકમનામું થઇ ગયા બાદ અરજદાર અને ફરિયાદી પતિ-પત્ની રહેતા નથી અને આ કેસમાં ફરિયાદ છૂટાછેડાના હુકમનામાના વીસ મહિના પછી નોંધાવવામાં આવી છે. હવે બંને વચ્ચે પતિ-પત્ની તરીકેનો વૈવાહિક દરજ્જો જ રહેતો નહી હોવાથી આઇપીસીની કલમ-498એ કે 494 હેઠળનો પણ કોઇ ગુનો બનતો નથી. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, આ કેસમાં ફરિયાદીએ છૂટાછેડાના હુકમનામાના વળતા પ્રહાર તરીકે ફરિયાદ નોંધાવી હોય તેવુ લાગે છે.

અરજદારના વકીલની રજૂઆત

આ કેસમાં ભૂતપૂર્વ પતિ અને તેના સગાઓ દ્વારા તેમની સામેની ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરેલી. સુનાવણી સમયે, અરજદારના વકીલની રજૂઆત હતી કે, ભૂતપૂર્વ પત્નીએ (ફરિયાદી) માત્ર અરજદારોને હેરાન કરવાના ઈરાદે આ ફરિયાદ કરી છે. ફરિયાદી અને અરજદાર પતિ વચ્ચે વીસ મહિના પહેલા જ છૂટાછેડા થઈ ચુક્યા છે. જેથી, હાલના સંજોગોમાં તેઓ પતિ-પત્ની છે જ નહીં અને માટે આ ફરિયાદ ટકી શકે નહીં.