Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં વાહન અકસ્માત સહિતના મળી કુલ 95 કેસોમાં રૂ. 5.94 કરોડથી વધુ રકમનું વળતર સમાધાનથી ચુકવવાના હુકમો થયા હતા. જ્યારે ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં રૂ. 344 કરોડથી વધુ રકમના કેસોમાં સમાધાનકારી નિકાલ કરાયો છે.

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોકઅદાલતમાં રૂ. 1.48 કરોડનું વળતર ચૂકવવાના હુકમ થયા છે. આ કેસમાં સીટી સિવિલ કોર્ટ લીગલ સર્વિસિસ કમીટીના પ્રિ-કન્સીલીએશન અને પ્રતિવાદી વીમાકંપની યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કંપનીના પ્રયાસોના કારણે અકસ્માતમાં ગુજરી જનાર 38 વર્ષીય યુવકના માતા-પિતા, બાળકો સહિતના આશ્રિતોનું ભવિષ્ય સુરક્ષિત બન્યું હતું. આ સિવાય કોમર્શીયલ દાવાઓ અને દિવાની દાવાઓ મળી કુલ 1724 કેસોનો સમાધાનકારી નિકાલ થયો હતો. જયારે કેસો દાખલ થયા અગાઉના પ્રિ-લીટીગેશનના 242 કેસોમાં સમાધાન થતાં રૂ. 78 લાખથી વધુની રકમ સાથે સમાધાનકારી નિકાલ થયો હતો.

આ રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન, મેટ્રોપોલીટન કોર્ટમાં પડતર 38,162 કેસો અને પ્રિ-લીટીગેશનના 1,44,989 કેસો મળી કુલ 1,83,151 કેસોનો સમાધાનકારી નિકાલ કરાયો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-138ને લગતા ચેક બાઉન્સના કેસો, લગ્ન સંબંધિત ભરણપોષણ અંગેના કેસો મળી કુલ 58,673 કેસો હાથ પર લેવાયા હતા. જેમાંથી 38,162 કેસોનો નિકાલ કરી રૂ. 3.44 અબજથી વધુની રકમના કેસોમાં સમાધાનકારી નિકાલ લવાયો છે.

ટ્રાફિકના કેસોમાં રૂ. 8.60 કરોડથી વધુ રકમના ઇ ચલણનો નિકાલ

ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિના ચેરમેને જણાવેલુ કે, આ જ પ્રકારે ટ્રાફિક અને ઇ ચલણના કેસોને લઇ ઇ-ટ્રાફિક કોર્ટના સ્પેશ્યલ જજની કોર્ટમાં પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન થયું હતું. જેમાં, 1,39,720 પક્ષકારોએ ભાગ લઇ બાકી રહેલ ઇ ચલણની રકમ ભરી દેતાં કેસોનો નિકાલ કરાયો હતો. અને રૂ. 8.60 કરોડથી વધુ રકમના ઇ-ચલણનો નિકાલ થયો હતો. આ ઉપરાંત, એએમસી કોર્ટના એનસી ફરિયાદ અંગેના 5200 કેસોનો નિકાલ કરાયો હતો.