Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

- સરકારનો દાવો છે કે 11ને વળતર ચુકવ્યુ, પરંતુ માત્ર પાંચ જ લોકોને ચુકવાયુ - અરજદાર

- સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતા, ગટર-મેનહોલમાં લોકોને ઉતારી સફાઈની પ્રથા ચાલુ - અરજદાર

અમદાવાદ: ગટર અને મેનહોલમાં કોઇપણ સંજોગોમાં માણસને ઉતારવા પર પ્રતિબંધ ફરમાવતાં ગુજરાત હાઇકોર્ટના આદેશો અને સુપ્રીમકોર્ટની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં આ આદેશનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે, તે મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, ગટર-મેનહોલની સફાઇ દરમિયાન મૃત્યુ પામ્યા હોય તેવા સફાઇ કામદારોના આશ્રિતો કે વારસોને આગામી મુદત સુધીમાં વળતર ચૂકવી આપવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, ગટરોમાં કે મેનહોલમાં સફાઈ કર્મીઓને ઉતારવા પર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે રોક લગાવી હોવા છતા, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં તેનુ ઉલ્લંઘન કરાઈ રહ્યુ છે. જેના લીધે ઝેરી ગેસના ગળતર અને ગૂંગળામણના લીધે સફાઈ કર્મીઓના અકાળે મૃત્યુ થાય છે. વર્ષ 2015 પછી અત્યાર સુધીમાં 152 જેટલા સફાઇ કામદારોના ગટર-મેનહોલની સફાઇ દરમિયાન મૃત્યુ થયા છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર સહિત અન્ય સ્થળોએ આ પ્રકારની ઘટનાઓ નોંધાઈ છે. આ ગેરકાયદેસર પર પ્રથા પર રોક લગાવો.

અરજદારની એ પણ રજૂઆત હતી કે, શહેરના નાગરિકો ગંદકીના નિકાલ અને સફાઇ માટે કર ભરે છે, પરંતુ તેમના ટેક્સના નાણાં સત્તાવાળાઓ બેફામ અન્ય અર્થહીન કામોમાં ઉડાવવાના બદલે ગટર કે મેનહોલ સફાઇ કરવા માટે યોગ્ય અને પૂરતા સાધનો કેમ વસાવતા નથી. આ સાધનોના અભાવે સફાઇ કામદારો અને મજૂરોને ગટર - મેનહોલમાં સફાઇ માટે ઉતારવા પડે છે અને તેમના અકાળે મોત થાય છે. આ સ્થિતિમાં હાઇકોર્ટ રાજય સરકાર અને સત્તાધીશોને સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા મુજબ, તાત્કાલિક આ પ્રથા બંધ કરાવા માટેના આદેશ આપે અને ગટર કે મેનહોલ સફાઇ દરમિયાન જે કામદારોના મોત થયા છે, આ રીતે મૃત્યુ પામતા લોકોના પરિવારજનોને  વળતર પેટે રૂ. 10 લાખની જોગવાઈ કરાયેલી છે. જો કે, અનેક કિસ્સાઓમાં તે ચુકવાયા જ નથી. જેથી, તેમને વળતર પેટે રૂ. 10 લાખ ચુકવો.

અરજદારની એ પણ રજૂઆત હતી કે, સરકારનો દાવો છે કે, 26માંથી 11 લોકોને વળતર ચૂકવાઇ ગયુ છે. જો કે, માત્ર પાંચ જણાને જ વળતર ચૂકવાયું છે. વળતર કેટલા લોકોને ચુકવાયુ છે, તે અંગે અસ્પષ્ટતા સર્જાતા હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, સરકાર આ બાબતની ખરાઈ કરે અને આગામી મુદત સુધીમાં વળતર ચુકવી આપે.