Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હાઈકોર્ટનો વચગાળાનો આદેશ, અરજદાર પાસે સનદ ફી પેટે રૂ. 750 વસુલો

બીસીજી સનદ ફી પેટે અલગ અલગ મથાળા હેઠળ રૂ. 31,000 વસુલે છે, જે કાયદાથી વિપરીત - અરજદાર

Ahmedabad: વકીલાતની સનદ માટે અલગ અલગ મથાળા હેઠળ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા નવા એનરોલ થતાં વકીલો પાસેથી રૂ. 25 હજાર જેટલી માતબર ફી ઉઘરાવવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક અરજી દાખલ થઇ છે. સુનાવણી બાદ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે અરજદારને વચગાળાની રાહત આપતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હુકમ કર્યો છે કે અરજદાર પાસેથી એનરોલ કરવા માટે હાલ રૂ. 750ની ફી વસુલવામાં આવે.

સુનાવણી દરમિયાન અરજદારની રજૂઆત હતી કે, એડવોકેટ એકટની જોગવાઇ મુજબ, વકીલાતની સનદ માટે રૂ. 750 જ ફી ઉઘરાવી શકાય પરંતુ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા નવા એનરોલ થતા વકીલો પાસેથી સનદ આપતી વખતે જુદા જુદા મથાળા હેઠળ રૂ. 25 હજાર જેટલી માતબર ફી ઉઘરાવાઇ રહી છે, જે બિલકુલ ગેરકાયદે, ગેરવાજબી અને અયોગ્ય છે. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા વેરીફિકેશન પેટે પણ રૂ. 2500 અલગથી ઉઘરાવાય છે. આ ઉપરાંત, ઓલ ઇન્ડિયા બાર એકઝામ માટે રૂ. 3500 જેટલી ફી અલગથી લેવાય છે. આમ, વકીલાતની સનદ માટે અલગ અલગ કારણોના ઓઠા હેઠળ રૂ. 31 હજારથી વધુ ફી ઉઘરાવી લેવાય છે. એડવોકેટ એકટની સંબંધિત જોગવાઇમાં વકીલાતની સનદ પેટે બાર કાઉન્સીલ રૂ. 750 ઉઘરાવી શકે તેવું સ્પષ્ટ હોવા છતાં ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગેરકાયદે આટલી બધી રકમ ઉઘરાવાઇ રહી છે. જો કોઇ ગરીબ કે જરૃરિયાતમંદ વકીલો હોય તે કારકિદીની શરૂઆતના તબક્કે જ કોઇપણ આવક વિના આટલી બધી ફી કેવી રીતે ચૂકવી શકે?

રૂ. 750માં વકીલ બનશે તેવો રાજયનો પ્રથમ કિસ્સો

ગુજરાત હાઇકોર્ટના આ વચગાળાના આદેશને પગલે રાજયમાં હવે નવા વકીલ સનદ માટેની ફી પેટે રૂ. 750 ભરીને જ સનદ મેળવી વકીલ બનશે તેવુ રાજ્યમાં પ્રથમ વાર બનશે.