Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ગુજરાત સ્ટેમ્પ એકટ-1958ની સંબંધિત જોગવાઇઓની બંધારણીય કાયદેસરતાને પડકારતી એક મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજય સરકાર, ગુજરાત રાજય સ્ટેમ્પ વિભાગના સુપ્રિટેન્ડન્ટ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી છે. કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતા આ કેસમાં ગુજરાત સ્ટેમ્પ એકટ અને હિન્દુ એકટની વિસંગતતા અને વિરોધાભાસને હાઇકોર્ટના ધ્યાન પર મૂકી ગુજરાત સ્ટેમ્પ એકટના શીડયુલ-1ની કલમ-45(A)ની જોગવાઇને ગેરકાયદે અને ગેરંબંધારણીય ઠરાવવા દાદ માંગવામાં આવી છે, કારણ કે, તેનાથી બંધારણની કલમ-14 હેઠળ સમાનતા સિધ્ધાંતનો ભંગ થાય છે. આ કેસની વધુ સુનાવણી જુલાઈ માસમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે, ગુજરાત સ્ટેમ્પ એકટની જોગવાઇ મુજબ, જો કોઇ વ્યકિત ગુજરી જાય તો તેની મિલ્કતની વારસાઇમાં બીજા વારસદારોને અન્ય વારસદારોની તરફેણમાં મિલ્કતનો હક્ક જતો કરવો હોય તો માત્ર રૂ.200 જ સ્ટેમ્પ ડયુટી ભરવાની આવે છે, પરંતુ જો અગાઉ ગુજરી ગયેલી દિકરીના દિકરાઓ કે દિકરીને આ કાયદાના શીડયુલ-1માં કલમ-49(A) હેઠળ કાયદેસરનો વારસો ગણવામાં આવતો નથી, તેના લીધે તેઓને મિલ્કતની પૂરી સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે.

બીજી બાજુ, હિન્દુ એકટની કલમ-8 માં જો કોઇ હિન્દુ પુરૂષ વીલ કર્યા વિના ગુજરી જાય તો તેની જોગવાઇ અને કલમ-15 જો કોઇ હિન્દુ મહિલા વીલ કર્યા વિના ગુજરી જાય તો તેની જોગવાઇનો ઉલ્લેખ છે તે મુજબ, અગાઉ ગુજરી ગયેલ દિકરીના દિકરાઓ કે દિકરી કાયદેસરના વારસો ગણાય છે. આમ, ગુજરાત સ્ટેમ્પ એકટની જોગવાઇ ખાસ કરીને કલમ-49(A) દેખીતી રીતે જ હિન્દુ એકટની જોગવાઇઓથી વિપરીત અને વિરોધાભાસી છે. તેના કારણે ભારતીય બંધારણની કલમ-14 અન્વયે સમાનતાના અધિકારનો પણ સ્પષ્ટ રીત ભંગ થાય છે. આ સંજોગોમાં ગુજરાત સ્ટેમ્પ એકટની કલમ-49(A)ની જોગવાઇઓ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને રદબાતલ ઠરાવવી જોઇએ. મિલ્કતની સ્ટેમ્પ ડયુટી ભરવામાં કાયદેસરના વારસો વચ્ચે આ પ્રકારની પક્ષપાતી જોગવાઇ ગંભીર અસમાનતા અને ભેદભાવ પેદા કરે છે ત્યારે હાઇકોર્ટે આ કાયદાકીય મુદ્દે દરમિયાનગીરી કરી જરૂરી આદેશ કરવો જોઇએ.