Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: રેલવે સ્ટેશન પર ઉભી રહેલ ટ્રેનના કોચની બારી પાસે બેસેલ વૃધ્ધા તથા મહિલા મુસાફરોને ટારગેટ કરી સોનાની ચેઇન તથા કિમતી સામાન ઝુંટવીને ચોરી કરવાના  કેસમાં  આરોપી દિનેશ ગોવિંદભાઇ ડાંગીયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે, આરોપી વિરૂદ્ધ પ્રથમદર્શનીય ગુનો છે અને તેમાં દસ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે ત્યારે ગંભીરતા વધી જાય છે. આરોપી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવવાળો છે અને જો તેને જામીન અપાય તો ફરીથી ચેઇન સ્નેચીંગ સહિતના ગુનાઓ આચરે તેવી શકયતા પણ નકારી ન શકાય. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતાં આરોપીની જામીન અરજી ફગાવાય છે.

આરોપી દિનેશ ડાંગીયાની જામીન અરજીનો વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી નિર્દોષ મહિલા મુસાફરો, વૃદ્ધાઓને નિશાન બનાવતા હતા. ખાસ કરીને ટ્રેન જયારે રેલ્વે પ્લેટફોર્મ પર ઉભી રહેલી હોય ત્યારે આરોપી ટ્રેનના કોચની બારી પાસે બેઠેલ વૃદ્ધા તથા મહિલાઓને ટારગેટ કરી તેમના ગળામાંથી સોનાની ચેઇન, દાગીના તફડાવતા હતા અને અન્ય કિમતી સામાન પણ ઝુંટવી ચોરી કરતા હતા. આરોપી આ પ્રકારના ચેઇન સ્નેચીંગ સહિતના ગુનાઓનો કલંકિત ભૂતકાળ ધરાવે છે. તેની વિરૃદ્ધમાં અગાઉ પણ ચેઇન સ્નેચીંગ સહિતના ગુનાઓની ચારથી વધુ ફરિયાદો નોંધાયેલી છે. આરોપી પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. સમાજમાં ચેઇન સ્નેચીંગ સહિતના આ પ્રકારના ગુનાઓ વધ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇ કાયદામાં આ ગુના માટે દસ વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ કરાઇ છે, ત્યારે સમાજના હિતને ધ્યાન લઈ અરજદારની જામીન અરજી ફગાવો.