Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને નવ લોકોને કચડી નાખનાર આરોપી તથ્ય પટેલે અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કોર્ટમાં કાયમી જામીન અરજી કરી છે. આ અરજી પરની સુનાવણી હાથ ધરાશે.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે, અકસ્માતના દિવસે બ્રિજ પરની તમામ લાઈટો બંધ હતી, જેના લીધે અકસ્માત સર્જાયો છે. તેણે જાણી જોઈને અકસ્માત કર્યો નથી. તેને જામીન આપવામાં આવશે તો તે તમામ શરતોનુ પાલન કરશે. મહત્વનુ છે કે, આ કેસમાં તેના પિતા પ્રજ્ઞેશ પણ આરોપી છે, જેની કાયમી જામીન અરજી તો કોર્ટે ફગાવી દીધેલી છે. જો કે, તેની વચગાળાની જામીન અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખેલો છે.

કેસની વિગત જોઈએ તો, મહત્વનુ છે કે, 20 જુલાઈએ અમદાવાના ઈસ્કોન બ્રિજ પર આરોપી તથ્ય પટેલે પૂરપાટ ઝડપે જેગુઆર કાર ચલાવીને અનેક લોકોને કચડ્યા હતા અને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ નવ નિર્દોષ લોકોના મોત થયા હતા. જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત એટલા ગંભીર પડ્યા હતા કે, રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ત્વરિતપણે તપાસના આદેશ કરેલા અને અમદાવાદ પોલીસ કમિશનરની નજર હેઠળ કેસની તપાસ થયેલી અને પોલીસે એક સપ્તાહમાં જ આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ અકસ્માત બાદ, આરોપી તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે ગયો હતો. તેના પર આરોપ છે કે તેણે હાજર લોકોને ધમકાવેલા અને અપશબ્દો કહીને લોકો વચ્ચેથી તથ્યને લઈ ગયેલો. જેથી, આ કેસમાં પોલીસે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવેલો છે. આ કેસને કોર્ટે કમિટ કરેલો છે અને તેની સુનાવણી 24 ઓગષ્ટે હાથ ધરાશે.