Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન થાય તેવુ કૃત્ય – કોર્ટ

આ દેશ વિરોધી કૃત્ય, આરોપીઓને કાયદા મુજબ કડકમાં કડક સજા ફટકારો - સરકાર

અમદાવાદ: ભારતીય આર્મી (Indian Army)ની માહિતી પાકિસ્તાન (Pakistan)ના એજન્ટોને પહોંચાડનાર 3 દોષિતોને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓએ જે ગુનો કર્યો છે તે રાષ્ટ્ર વિરુધ્ધનો છે, તેમના કૃત્યથી ભારત દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકશાન  થાય તેવું કૃત્ય આચર્યું છે. આ કેસમાં ભોગ બનનાર કોઇ વ્યક્તિ નથી પરંતુ સમગ્ર રાષ્ટ્ર છે જેથી ગુનાની ગંભીરતા ઘણી વધી જાય છે, આરોપીઓ ભારતના  નાગરીક છે પરંતુ દેશ પ્રત્યે પ્રેમ કે લાગણી નથી, તેઓને પાકિસ્તાન માટે પ્રેમ લાગણી અને દેશ પ્રેમ છે, દેશ વિરોધી કૃત્ય આચર્યુ છે.

કેસની વિગત જોઈએ તો, વર્ષ 2012ના ઓક્ટોબર મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ISI એજન્ટ તરીકે અમદાવાદના કેટલાંક શખ્સો કામ કરી રહ્યાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી જમાલપુરમાં રહેતા સિરાજુદ્દીન ઉર્ફે રાજુ ફકીર અને મહંમદઐયુબ ઉર્ફે સાકીર શેખની ધરપકડ કરીને મોબાઈલ ફોન સહિતના પુરાવાઓ કબજે લઈ FIR નોંધી હતી. તપાસમાં બહાર આવ્યુ હતુ કે સિરાજુદ્દીન ફકીર વર્ષ 2007માં પાકિસ્તાન ગયો હતો અને ત્યારે તે પાકિસ્તાનના હેન્ડલર તૈમુરને મળ્યો હતો અને ત્યાં આર્મીના ઓફિસરોની રેંક અને વાહનોને ઓળખવાની તાલીમ મેળવી હતી. તૈમુરે આર્મીની માહિતી બદલ રૂપિયા આપવાની લાલચ આપતા સિરાજુદ્દીન ભારત વિરોધી કામ કરવા તૈયાર થયેલો. ભારત પરત ફર્યા બાદ સિરાજુદ્દીને જુદા-જુદા આર્મી  કેમ્પની માહિતી મેળવવા માટે ઈંડા સપ્લાય કરતા વેપારીના ત્યાં નોકરી પણ મેળવી લીધી હતી. આ પછી રાજસ્થાન, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદમાં આર્મી BSF કેમ્પની રેકી કરી સિરાજુદ્દીને અનેક વખત બે અલગ અલગ ઇ મેલના ડ્રાફ્ટ બોક્સમાં આર્મી મુવમેન્ટ સહિતની અતિ સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી હતી. સિરાજુદ્દીન ઈ મેઈલ કરવા માટે શરૂઆતમાં મહંમદઐયુબ ઉર્ફે સાકીર શેખની મદદ મેળવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે  સિરાજુદ્દીન ઉર્ફે કરામતઅલી ફકીર, મહંમદઅયુબ ઉર્ફે સાકીર શાબ્બીરભાઇ શેખ અને નૌશાદઅલી મકસુદઅલી સૈયદ સામે ચાર્જશીટ કરી હતી. જેમાં  પાકિસ્તાની હેન્ડલર્સ તૈમુર, તાહીર સહિત વિદેશના કુલ 9 આરોપીઓ વૉન્ટેડ દર્શાવાયા હતા.

રાજ્ય સરકારની રજૂઆત હતી કે, મિલિટરીની સંવેદનશીલ માહિતી EMail થકી મોકલવા સિરાજ ફકીર સોહીલ અને ઐયુબને રૂ. 500-500 આપતો હતો. મે-2010થી  સપ્ટેમ્બર-2012 દરમિયાન સિરાજુદ્દીનને પાકિસ્તાના તૈમુરે UAE અને સાઉદી અરેબીયાના જુદા-જુદા લોકોના નામે વેસ્ટર્ન યુનિયન મની અને  મનીગ્રામ થકી 1.94 લાખ રૂપિયા મોકલ્યા હોવાના પુરાવા છે. આરોપીઓએ દેશની અખંડિતતા અને સર્વભોમત્વને નુકશાન થાય તેવું કૃત્ય આચર્યું છે, આરોપી સામે પ્રથમદર્શીય કેસ સાબીત થાય છે. ત્યારે આવા આરોપીઓને મહત્તમ સજા કરવી જોઇએ. સરકારની આ રજૂઆતના આધારે કોર્ટે સિરાજુદ્દીન ઉર્ફે કરામતઅલી ફકીર, મહંમદઅયુબ ઉર્ફે સાકીર શાબ્બીરભાઇ શેખ અને નૌશાદઅલી મકસુદઅલી સૈયદને  આજીવન કેદની સજા ફટકારી છે.

સોહીલને તાજનો સાક્ષી બનાવાયો, પુરાવા ન હોવાથી ઇદરીશ સામે સમરી રિપોર્ટ

મુખ્ય આરોપી સિરાજુદ્દીન ફકીરને ઈ-મેઈલ કરતા આવડતું નહીં હોવાથી પરિચિત સોહીલ કાઝીની મદદ મેળવી હતી. મુરઘીના ધંધા અર્થે ઈ-મેઈલ કરવાનું કહીને સિરાજ સોહીલને સાયબર કાફેમાં લઈ ગયો હતો. સોહીલે બે માહિતી સિરાજે આપેલા ઈ-મેઈલ આઈડીના ડ્રાફ્ટ બોક્સમાં સેવ કરી હતી. ‘દો સે તીન છોટી ગાડીયાથી ઔર 3-4 પાની કી ટેન્કરથી ઔર સાથ મેં થોડી બડી ગાડીયા થી’ ‘085વાલે મામુ બાડમેર ગયે હુએ હૈ ઔર ભાઈ જાન આપને અભી તક અંડે નહીં ભેજે. આપ જલદી સે 5000 અંડે ભેજીએ’ આ બંને માહિતી અંગે શંકા જતા સોહીલે સિરાજને સવાલ કરતા તેણે કબૂલાત કરી હતી કે, પાકિસ્તાન માટે કામ કરું છું. આ વાતથી ગભરાઈ જઈને સોહીલે સિરાજથી અંતર બનાવેલુ. સોહીલ ક્યારેય પણ પાકિસ્તાન ગયો નથી અને થોડા પૈસાની લાલચમાં બે-એક વખત E-Mail કર્યા હોવાની હકીકત સામે આવતા ક્રાઈમ બ્રાંચે તેને તાજનો સાક્ષી બનાવેલો. જ્યારે ઈદરીશ નામના સરકારી કર્મચારી સામે કોઇ જ પુરાવા ન હોવાથી તેની સામે 169નો સમરી રિપોર્ટ કરેલો.